પૃષ્ઠ:Gramonnati.pdf/૩૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૮ : ગ્રા મો ન્ન તિ
 

સમસ્તના – જગત સમસ્તના આત્મદેવને જગાડવા.

પુષ્પ, પત્ર, ફળ, પાણી, કંકુ, ચંદન, ધૂપ જે કાંઈ લઈ જવાય તે આપણે એ મંદિરમાં લઇ જઇએ, અને નાનો સરખો પણ ઘંટનાદ ભક્તિભાવ પૂર્વકકરીએ.

ગ્રામદેવતા જાગશે ત્યારે હિંદને દેવતા જાગશે.

હિંદનો દેવતા જાગ્યે જગતમાંથી ક્લેશ, કંકાસ, યુદ્ધ, ખૂનામરકી, ખેંચાખેંચી અદૃશ્ય થઈ જશે; જગત સમસ્તમાં ફૂલની ખુશબો અને સંગીતનું માધુર્ય ફેલાશે; ઉષારંગી કલાકૃતિઓ ખેંચાશે; માગ્યા મેહ વરસશે; અને ગરીબ તવંગર જેવા શબ્દો ભૂંસાઈ જઈ પ્રત્યેક માનવી સાચા સંસ્કાર ઝીલશે. જેટલી માનવતા ગામડાંમાં વિકસશે તેટલી જ આપણાં શહેરોમાં, આપણા સંસ્કારમાં, આપણા ચારિત્ર્યમાં, આપણા જીવનમાં આવશે. માનવતાની ફુવારો ગામની સપાટી જેટલો જ ઊંચો નીચો ઊંડો. ગામડાં નીચાં તો જગત નીચું. ગામડાં ઊંચાં તે જગત ઊન્નત.

આપણે સહુ નિશ્ચય કરીએ તો ગ્રામોન્નતિનો માર્ગ જડશે જ.