પૃષ્ઠ:Gramonnati.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શાહુકારી પદ્ધતિ : ૬૭
 


છે જ. ધીરધારના ધંધાને અંગે ઉત્પન્ન થતું સ્વાર્થી, સાંકડું અને ક્લુષિત માનસ, સ્મૃતિકારો, ધર્માચાર્યો, તત્ત્વજ્ઞો, કવિઓ, અને સુધારકો દ્વારા બહુ સખ્ત શબ્દોમાં વખોડાયું છે. વ્યાજખોરોને માટે બાઇબલ બહુ સખ્ત સજા ફરમાવે છે. મુસ્લિમ ધર્મે તો વ્યાજને હરામ ગણેલું છે – જો કે વ્યાજનું નામ ન આપતાં વ્યાજના સાટામાં વ્યાજને પણ આંટે એવો ધીરાણનો બદલો લેવાના માર્ગ મુરિલમ શરાફોને નથી જડ્યા એમ નહિ.

કૃષિકાર અને શાહુ-
કારનાં માનસ

ગ્રામજનતા ધંધાદારી દેવું અને સામાજિક – લૌકિક દેવું એ બેનો ભેદ પાડતી નથી. ખેડૂતને બીજ માટે પૈસો જોઇએ કે હળ માટે પૈસો જોઈએ તો પણ તે શાહુકાર પાસે જાય. બાપનું બારમું કરવું હોય, માનું વરશી વાળવું હોય કે સાધુની ટીપમાં ફાળો કરવો હોય તો પણ તેને શાહુકારની પાસેથી જ નાણાં લેવાનાં. જાત્રા કરવી હોય અગર વૈદ્યની પાસેથી દવા લાવવી હોય તો પણ તેના પૈસા શાહુકારને ત્યાંથી જ મળે. ઊંચી ઢબનું નાણાશાસ્ત્ર ઉત્પાદક અને બિનઉત્પાદક એવા બે પ્રકારના દેવાનું વર્ગીકરણ કરે છે, તેનું ખેડૂતને જ્ઞાન નથી. એક તો તે અભણ હોય છે. એને મન ખેતી એ માત્ર ઉત્પાદક ધંધો નહિ પરંતુ એનો વંશપરંપરાગત જીવનવ્યવહાર છે એવું તે માને છે. ખેતીના ધંધામાં અઠવાડિક કે માસિક આવક મળતી નથી કે જેને લઇને લેણદેણનો તાબડતોબ નિકાલ કરી શકાય. બે પાક લેનાર ખેડૂતને છ માસે અને એક પાક લેનાર ખેડૂતને તો વર્ષે દિવસે પાકની કિંમત હાથમાં આવવાની. અને તે હાથમાં પણ શાની આવવાની ? વર્ષ કે છ માસમાં તેની ધંધાની અને નિત્ય વ્યવહારની જરૂરિયાતો પોતાની શાખ ઉપર જ પૂરી પાડવી રહી. અને ખેડૂતની શાખ એટલે શું ? એની જમીન, એનાં ઢોરઢાંખર, એનું ખોરડું, અને કંઈક અંશે એની સાચી દાનત