પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૧૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૮
ગ્રહાષ્ટક વત્તા એક
 


‘એટલે, અમે તો કહીએ છીએ કે ખીમચંદને લોંઠાએ કરીને પણ પાછો તેડી આવીએ. ઓલી જોગમાયા એને ભરમાવીને લઈ ગઈ છે, તી કોને ખબર છે, કાંઈક દોરોધાગો કરીને છોકરાને ગાંડોઘેલો કરી મૂકે તો ?’

‘માનો ન માનો, પણ અમને તો આમાં કાંઈક વહેમ જેવું લાગે છે.’

‘આમાં ભગનશેઠનું જ કાંઈક કારસ્તાન હશે. આપણા જેવા અણગમતા વેવાઈની ટાઢે પાણીએ ખસ કાઢવાનો જ આ પેંતરો લાગે છે.’

‘આપણે અહીં પારકી જણીને વહુ કરવા આવ્યાં છીએ, પણ આપણા પેટનો જણ્યો દીકરો જ ખોઈ ન બેસીએ તો સારું.’

આવા આવા તર્કકુતર્કને પરિણામે આખી જાનમાં ગભરાટ ફેલાઈ ગયો. ડોસા–ડગરાઓ તો વરરાજાના ભાવિ અંગે અમંગળ કલ્પનાઓ પણ કરી રહ્યા.

‘પીઠી ચોળેલ વરરાજાને ઉંબરા બહાર પગ જ કેમ મૂકવા દેવાય ?’

‘રાંદલમાના ઉથાપન પહેલાં વરરાજા આઘા જાય જ કેમ કરીને ?’

‘આપણા ગોતરીજ કોપશે તો ધનોતપનોત કાઢી નાખશે.’

જોતજોતામાં સહુ જાનૈયાઓ એવા તો ઉશ્કેરાઈ ગયા કે ખીમચંદને પાછો લાવવા તેઓ શ્રીભવનમાં તિલ્લુના રિહર્સલરૂમ ભણી ધસી ગયા.

તિલ્લુના રિહર્સલરૂમમાંથી નૃત્યના તોડાને તાલ આપતા ઢોલકનો અવાજ દૂરથી જ સાંભળી જઈને જાનૈયાઓ વધારે ઉશ્કેરાયા.

‘આ ભગતશેઠની અવળચંડાઈ તો જુઓ અવળચંડાઈ ! લગનના ઢોલ વગડાવવાનું સૂઝતું નથી, ને અહીં નાચમુજરાના ઢોલ ધડૂસે છે !’