પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બુચાજીનું સ્વપ્ન
૩૧
 


‘તમારી વાત તમે જાણો.' લેડી જકલ બોલ્યાં, 'અમે તો ચાળીસમે વર્ષે સંસારમાંથી પરવારી જઈએ ત્યારે તમે ઘોડે ચડવા નીકળો.’

‘હું તો હજી ઘોડે ચડવા નીકલિયો બી નથી, લેડી જકલ.’ બુયાજી બોલ્યા, ‘મારા બહિસ્તનશીન બાવાજી પચાસમે વરસે પનિયા ઉતા. ને મને તો હજી પિસ્તાલીસમું જ ચાલે છે.’

‘ના, ના, તમે તો હજી સાઠના થાઓ ત્યારે જ અદરાવાનો વિચાર કરજો, બાપ કરતાં બેટા સવાયા થાય તો જ શોભે ને ?’

લેડી જકલનો આ ટોણો બુચાજીને અણધાર્યો જ મર્મસ્થાને વાગી ગયો. હું પિસ્તાળીસનો થયો અને હજી સાઠને થવા માટે મારે પંદર વરસ રાહ જોવાની ?

આ મહેણું પોતે જ એક સૂચન બની રહ્યું. બુચાજીની આંખ ક્ષણાર્ધ પૂરતી ચમકી ઊઠી.

એ ચમકેલી આંખ સામે બે વસ્તુઓ તરવરતી હતી : એક તો પોતે સામટા સ્ટૅમ્પ–પેપર ઉપર તિલોત્તમાને નામે ટ્રાન્સફર કરેલી સર ભગનની મબલખ મિલકત અને બીજી, એ અઢળક સંપત્તિની વારસદાર, અવિવાહિતા, સોજજી ને સુંદર પોરી તિલોત્તમા.

અરે, આ લાખોની વારસદાર પોતાની મહેરદાર બને તો ? તો તો આ બૅરિસ્ટરની બેકારી હંમેશને માટે ટળી જાય...

બુચાજીનું દિવાસ્વપ્ન આકાર લઈ રહ્યું.

આમ તો, સર ભગનની આ વકીલાત કરી આપવાથી પોતાની બુચા, બુચા, બુચા ઍન્ડ બુચાની પેઢીને એના વપરાયેલા સ્ટૅમ્પ–પેપરના હિસાબે થતી રકમ મળશે. બુચાજીને પોતાને આ કામ કરી આપવાની અલગ ફી મળશે. પેઢીના સીનિયર પાર્ટનર તરીકે તો પોતાને બે આની હિસ્સો વધારે મળશે. પણ એથી શો શુક્કરવાર વળવાનો હતો ? આ તો આંગળાં વાટીને પેટ ભરવા જેવો ધંધો થયો. પોતાના મેલાઘાણ કાળા ડગલાના ડ્રાયક્લીનિંગનું શું ?