પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.






૮.
નવમો ગ્રહ
 

શ્રીભવનના ઉદ્યાનમાં યજ્ઞવેદીના ખોદકામ માટે કોદાળીતિકમના એકસામટા અવાજ ઊઠી રહ્યા હતા. એની સાથે તિલ્લુના નૃત્યખંડમાંથી તિલ્લાણાં ઠેકાઓ તાલ મિલાવી રહ્યા હતા.

સર ભગનના મગજમાં આ બેઉ પ્રક્રિયાઓનો કોઈ રીતે મેળ બેસતો નહોતો. યજ્ઞકુંડનું ખોદકામ ખરી રીતે તો મહાવિનાશકારી પ્રલય સામે પાળ બાંધવાનો પુરુષાર્થ હતો. એ પ્રવૃત્તિમાં સર્વનાશની, મૃત્યુના અનિષ્ટની છાયા કળાતી હતી. એ કુંડના ખોદકામમાં તિકમકોદાળીના ખડખડાટ સાથે તિલ્લુનાં નાચગાનનો ઉલ્લાસભર્યો તાલ શી રીતે મળે ?

સર ભગનની જાડી બુદ્ધિને પણ આ સૂક્ષ્મ વિરોધાભાસ સૂઝી આવ્યો, તેથી એમણે તિલ્લુ સમક્ષ ફરિયાદ કરી :

‘દુનિયા આખીનો નાશ થવા બેઠો છે ત્યારે તને આવાં નાચગાન કેમ સૂઝે છે ?’

‘સૃષ્ટિના સંહાર વખતે પણ શંકર ભગવાને નૃત્ય તો કર્યું જ હતું. માત્ર, એ તાંડવનૃત્ય હતું.’

‘પણ તું તો જમુનાતટે શ્રીકૃષ્ણ સાથે રાસક્રીડા કરતી ગોપીનું જ નૃત્ય કર્યા કરે છે.’

‘એ તો હજી સૃષ્ટિનો સંહાર નથી થઈ ગયો ત્યાં સુધી જ.’

‘અને અષ્ટગ્રહીને દિવસે એ થશે ત્યારે ?’

‘સંહાર થશે કે તુરત જ હું લાસ્યને બદલે તાંડવનૃત્ય શરૂ કરી દઈશ.’