પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવમો ગ્રહ
૬૯
 


‘કાલે રાતે મેં પેલા નાચણિયાને અહીં દીઠો હતો.’

‘કોને ? કંદર્પકુમારને?’

‘હા.’

‘પણ એ હવે અહીં બંગલામાં પેસી જ શી રીતે શકે? દરવાજેથી ગુરુચરણ જ એનાં ડેબાં ભાંગી ન નાખે?’

‘મને પણ એ જ સમજાતું નથી કે એ અહીં આવી જ શી રીતે શકે. ઉપર આકાશમાંથી અહીં ઊતરે, એ સિવાય તો બીજો કોઈ રસ્તો જ રહ્યો નથી.’

‘તમને કંઈ ભ્રમ તો નથી થયો ને ?’

‘ના રે ના. મેં સગી આંખે એને તિલ્લુના રૂમની બારીમાં જોયો છે. ને હું ઉપર તપાસ કરવા ગઈ તો એ રૂમમાં કંદrપકુમાર જ નહિ.’

‘તમે તો પેલા મહંમદ છેલના જાદુ જેવી વાત કરી !’

‘મને પણ એ જાદુ જેવી જ નવાઈ લાગે છે. પાંચ જ મિનિટમાં એ ક્યાં પલાયન થઈ ગયો એ જ સમજાયું નહિ.’

‘તમને વહેમ રહી ગયો હશે.’

‘વહેમ તો નહીં, પણ મને આમાં કશાક ભેદ જેવું લાગે છે.’

‘ભેદ શો હોઈ શકે ? તિલ્લુ આપણને છેતરતી તો નહિ હોય ?’

‘બને જ નહિ, હવે એનો જીવ પ્રમોદકુમારમાં લાગ્યો જ છે.’

‘તો એ પ્રમોદકુમારને પણ છેતરતી તો નહિ હોય ?’

‘એમ કાંઈ પ્રમોદકુમાર મૂરખ છે ?’

‘એ મૂરખ ન હોય હોય તોય આપણે કદાચ મૂરખ બની જઈએ તો ?’

‘આ બધા તમારા મનના જ માનેલા વહેમ લાગે છે.’

‘એટલે જ તો હું ઘડિયાં લગ્નની ઉતાવળ કરાવું છું. ગ્રહાષ્ટક