પૃષ્ઠ:Gujarati Bhashana Kaviyono Itihas.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અને ઘણામાં ઘણા પચાશ પરમહંસો રહેતા હતા. મુક્તાનંદના મોઢાનું ભાષણ તથા ગાયન સાંભળીને લોકોનાં મન ઘણાં રંજન થતાં હતાં. છેલીવારે ક્ષયના રોગથી સંવત ૧૮૮૭માં ગઢડામાં તેણે દેહ મુક્યો. ત્યારે તેની ઉંમર આશરે ૭૦ વર્ષની હતી.

ધીરોભક્ત

એ કવિ વડોદરા જીલ્લામાં સાવલી ગામ છે, કે જે આજે સાવલી ગોઠડા એવાં બે પાસે આવેલાં ગામોથી ઓળખાય છે. ત્યાંનો રહેનાર નાતે ભાટ હતો. તેણે પોતાની કવિતામાં વર્ષ લખ્યું હોય એવું મારા વાંચવામાં આવ્યું નથી. તથા પોતાની જાતિનું કે ગામનું નામ પણ કવિતામાં તેણે લખ્યું નથી. લોકોને મોઢેથી સાંભળ્યા પ્રમાણે મેં લખ્યું છે. એ કવિ વેદાંતના મતને મળતો હોય એવું જણાય છે. તેનાં કાફી રાગનાં એક જ તહેરનાં પદો ઘણાં કરેલાં સાંભળ્યાં છે. તેની ભાષા સેહેલી અને શુદ્ધ છે, વળી તેની કવિતામાં મીઠાશ પણ છે. તે સંવત ૧૮૮૪ની સાલમાં હયાત હતો. એવું લોકો કહે છે.


બ્રહ્માનંદ

એ કવિ નાતે ચારણ હતો. અને ડુંગરપર પરગણાના ખાણ નામના ગામમાં રહેતો હતો. અશલ તેનું નામ લાડુબારોટ હતું. તેનું સગપણ કરેલું હતું પણ પરણ્યો નહોતો તેની ઊમર વર્ષ ૨૦ ને આશરે થતાં, તેણે સાંભળ્યું કે કાઠીઆવાડમાં સ્વામીનારાયણ નામે મહતપુરૂષ પ્રગટ થયા છે, તેથી તેનાં દર્શન કરવા ગયો અને તેનો ઊપદેશ સાંભળીને સંસારથી ઉદાસ મન થયું. પછી પરમહંસ દીક્ષા લીધી, ત્યારે તેનું નામ શ્રીરંગ ઠરાવ્યું. પ્રથમ તેણે લાડુ નામથી ચારણી ભાષામાં કવિતા કરેલી છે. ચારણીભાષામાં ઘણા શબ્દો મારવાડી ભાષાના હોય છે, અને હિંદીભાષાના તથા ગુજરાતીના અને બીજા તરેહવાર અપભ્રંશ થએલા હોય છે અને સપાખરૂં, રેંટીડું, જાંગડું એ વગેરે ૮૪ જાતનાં ગીત અને સવૈયા હોય છે. પછી તેણે શ્રીરંગનામથી હિંદુસ્તાની ભાષામાં ચંદ્રાયણા રચેલા છે. કેટલાંક વર્ષ પછી તેનું બ્રહ્માનંદ અથવા બ્રહ્મમુની નામ પડ્યું. એ બંને નામથી તેણે કવિતા રચી છે. તેણે ગુજરાતી ભાષામાં પદ તથા ગરબીઓ રચેલી છે. હિંદુસ્તાનીભાષાનાં પણ ગાયનમાં ગાવાનાં પદ રચેલાં છે. સગળાં મળીને પદ ૮૦૦૦ છે. તથા ધર્મવંશ પ્રકાશ, સુમતિપ્રકાશ, વિદુરનીતિ, બ્રહ્મવિલાસ વગેરે મોટા મોટા ગ્રંથો હિંદુસ્તાની ભાષામાં રચેલા છે, તેમાં મોતીદામ, ભુંજંગી, નારાચ, ઉધોર, સવૈયા, કવિત, કુંડળિયા, છપય વગેરે તરેહ તરેહ જાતના છંદો રચેલા છે. તે સિવાય છુટક ઝુલણા, ચર્ચરી, અમૃત, ધ્વનિ, રેણકી છંદ વગેરે ઘણી ઝડઝમકવાળા રચેલા છે. એની કવિતાથી સ્વામીનારાયણ ઘણાં રંજન થતા હતા. તે સરોદો, સતાર સારી રીતે બજાવી જાણતો હતો. તેનો સ્વભાવ રમુજી હતો. શરીર પુષ્ટ હતું. કાઠીઆવાડમાં મૂળીગામમાં મંદિર