પૃષ્ઠ:Gujarati Bhashana Kaviyono Itihas.pdf/૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વ્રજભાષાના શબ્દો ત્યારથી ભળવા લાગ્યા જણાય છે. જેન સંસ્કૃતમાં કોઈ કાળીદાસને અને કોઈ તો માઘ કવિને સર્વોપરી કવિ ગણે છે, તેમ ગુજરાતીમાં કોઈ પ્રેમાનંદભટને અને કોઈ તો શામળભટને સર્વોપરી કવિ ગણે છે. શામળભટનો શિષ્ય ત્રવાડીમેવાડો ઘેલોવ્યાસ અમદાવાદમાં હતો, તેની દિકરીનો દીકરો વ્યાસ ઈચ્છાશંકર હાલ છે, તેના ઘરમાં શામળભટનાં પુસ્તકો તથા શામળભટના હાથના અક્ષર પણ છે.

દલપત

શામળભટ પછી અમદાવાદમાં દલપત નામે નાગર કવિ થયો. તે દેવીભક્ત હતો. તેણે ગુજરાતી ભાષામાં થોડાક ગરબા રચેલા છે. પણ સંસ્કૃતમાં કવળઆનંદ નામે અલંકારનો ગ્રંથ છે, તે બધો હિદુસ્તાની ભાષાની કવિતામાં તેણે રચ્યો છે, તેનું નામ દલપત વિલાસ છે. એ ગ્રંથ ઘણો વખાણ વાલાયક છે. અને કવિયોના ઉપયોગનો છે. એ કવિ સંવત ૧૮૮૭માં હયાત હતો. એવું ગુજરાતી ભાષામાં તેણે રચેલા અહિના કાકારિયા તળાવના વરણનના ગરબા ઊપરથી જણાય છે.


વલ્લભભટ

એ કવિ અમદાવાદનો ભટમેવાડો બ્રાહ્મણ હતો. તે પ્રથમ વિષ્ણુભક્ત હતો પણ કહે છે કે, તે શ્રીનાથજીની જાત્રા કરવા ગયો. ત્યાં મંદિરમાં સેહે જ થુંક્યો, તેથી મંદિરના લોકોએ તેનો ઘણો જ ધિક્કાર કર્યો. ત્યારે વલ્લભભટે કહ્યું કે, પરમેશ્વરનાં આપણે છોકરાં છિયે, માટે છોકરાં તો મા બાપના ખોળામાં થુંક શેડા નાંખે તે મા બાપ સહન કરે.

મંદિરવાળાએ કહ્યું કે, મા સહન કરે, પણ બાપ એવું સહન કરે નહિ માટે આ તો માનું મંદિર નથી. બાપનું મંદિર છે.

એ સાંભળીને તેના મનમાં એવો વિચાર આવ્યો કે, માના કરતાં બાપનું હેત ઓછું જણાય છે. માટે પરમેશ્વરને બાપ કહિયે તો તેના હેતમાં ખામી આવે છે. અને પરમેશ્વરને પુરુષને આકારે કે, સ્ત્રીને આકારે છે. તે કોઈયે દીઠો નથી. માટે હવેથી મારી આખી ઉંમર સુધી પરમેશ્વરને મા કહીને જ મારે પ્રાર્થના તથા વરણન કરવું અને પરમેશ્વરનાં જેટલાં નામ છે, તે લોકોએ કલ્પિત ઠરાવ્યાં છે. માટે હિંદુસ્તાનમાં જેટલી દેવિયો કહેવાય છે, તેનાં નામ તથા તેનાં રૂપ તે, પરમેશ્વરનાં જ નામ અને રૂપ છે. એવો નિશ્ચય કર્યો. વળી તેણે જોયું કે, સગળાં તિર્થ અને દેવસ્થાનોના માલેક લોકો થઈ પડ્યા છે. માટે મારે એક નવું તિર્થ અને નવાં દેવસ્થાનનો મહિમા વધારવો.

પછી તેણે દેશાટન કરતાં ચુંવાળ પ્રાંતમાં બહુચરાજીનું સ્થાન દીઠું. તેનો મહિમા પોતે વધાર્યો અને ગુજરાતી ભાષામાં મોટા મોટા ગરબા રચ્યા, તેની વાણી એવી સરસ છે કે, તેથી તે પેહેલા વર્ગના કવિયોમાં ગણાય છે. એની કવિતાની અસરથી ઘણા લોકો બહુચરાજીના સેવક થયા. અને મોટા મોટા સંઘ ત્યાં જવા લાગ્યા. ગાયકવાડ મહારાજે