પૃષ્ઠ:Gujarati Bhashana Kaviyono Itihas.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મોટું દેરૂં કરાવ્યું; એ જગા જે તાલુકદારના તાબામાં હતી. તેણે ચોકી પહેરા વાસ્તે કમાળિયા જાતના મુસલમાનોને એવો હક કરી આપ્યો કે, તે મંદિરની ઉપજ તમે લેજો, અને બંદોબસ્ત રાખજો. એક સમે વલ્લભભટને અને કમાળિયાઓને તકરાર પડી, ત્યારે વલ્લભભટ અમદાવાદના સંઘ સાથે બહુચરાજીએ જતાં રસ્તામાં દેતરોજ ગામ આવ્યું ત્યાં તેણે લોકોને કહ્યું કે, દેવિયે મને સ્વપ્નમાં કહ્યું કે, હવેથી હું દેતરોજમાં રહીશ, માટે આ ઠેકાણે મારી માનતા ચલાવવી.

પછી લોકો તેના કહેવા ઊપરથી એ જ ઠેકાણે બાધાઓ ઉતારી, અને પાછા ઘેર ગયા. એ વાત કમાળિયાઓએ જાણી ત્યારે જાણ્યું કે, આપણી આજીવિકા તુટી જશે. તેથી તેઓ વલ્લભભટના સામા આવીને તેની આજીજી કરીને તેને મનાવ્યા અને પાછું તે જ સ્થાનક કાયમ રાખ્યું.

બહુચરાજી વિષે તેણે એવી વાતો ચલાવી કે, ત્યાંના કુંડમાં નહાવાથી એક સ્ત્રી હતી તે પુરુષ થયો, અને ઘોડીનો ઘોડો, નેં કુતરીનો કુતરો થયો. એવી વાત દેશમાં ફેલાયાથી "ઘણાએક નપુંસક પુરૂષો ત્યાં જઈને રહ્યા. તેઓ બહુચરાજીના પાવૈયા કહેવાય છે. હાલમાં આશરે ૧૫૦૦ છે. તેઓ સ્ત્રીનો વેષ રાખે છે. અને જેમ ગોંસાઈ, ખાખીની જમાતો બંધાય છે, તેમ તેઓની પણ જમાતો બંધાઈ છે. તેમાં એક મોટેરો હોય તે ગુરૂ કહેવાય છે, નેં બીજા તેના ચેલા કહેવાય છે. તેઓ દરએક ગામમાં જઈને દુકાને દુકાને ભીખના પૈસા ઉઘરાવે છે. કાંધાં પાજરાં પણ કરે છે, દેવાદાર કોઈ તેનાં નાણાં ઓળવી શકતો નથી. કારણ કે તેને ઘેર જઈને બેઅદબી બોલીને તથા નવસ્ત્રો થઈને તેને કાયર કરે છે. તેના ગુરૂનો વારસો ચેલાને મળે છે."

વલ્લભભટની વખતમાં સંવત, ૧૭૮૮ના વર્ષમાં મોટો દુકાળ પડ્યો તથા રાજાનો રૈયત ઊપર ઘણો જુલમ હતો, તેનું વરણન કળિકાળના ગરબામાં તેણે કરેલું છે. કહે છે કે, વલ્લભભટ પરણ્યો નહોતો. ધોળોભટ, હરીભટ તથા એક ત્રીજો મળીને તેઓ ચાર ભાઈ હતા. અમદાવાદમાં તેણે બહુચરાજીનું સ્થાન કરાવેલું છે. હાલ તેના પિત્રાઈના ઘરમાં તેની કવિતાના તમામ ચોપડા છે. વલ્લભભટ માથે ચુનડી બાંધતો હતો, ભાંગ બહુ પીતો હતો. બહુચરાજીમાં પણ હાલ તેની એક ઓરડી કહેવાય છે. લોકો કહે છે કે, બહુચરાજી પ્રત્યક્ષ તેને મળતાં હતાં. તેણે આનંદના ગરબામાં કહ્યું છે કે -

"તોતળા મુખ તન, તોતો તો કહેમા;"
"અર્ભક માગે અન્ન, નિજ માતા મન લે મા."

અર્થ

બોબડા મોઢાનો બાળક, કહે તો તોતો; પણ તેની મા સમજી લે કે, એ બાળક રોટલો માગે છે.