પૃષ્ઠ:Gujarati Bhashana Kaviyono Itihas.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તેમજ હું તારી પાસે ગમે તે માગું, અને ગમે તેવા આકારે જાણીને હું તારી સ્તુતિ કરું પણ આ દુનિયાનો પેદા કરનાર તું જ હોય તે જાણી લેજો કે, તેને બોલતાં નથી આવડતું માટે આ રીતે બોલે છે, અને માગતાં નથી આવડતું માટે આ રીતે માગે છે. પણ તેનો પ્રેમ મારા ઊપર છે, અને તેને ફલાણી ચીજ આપવી યોગ્ય છે.

વલ્લભભટની કવિતા આખા ગુજરાતમાં પ્રસિદ્ધ છે, પણ ઘણું કરીને તે નવરાતમાં ગવાય છે.

એની કવિતા ઊપરથી જણાય છે કે, તેણે સંસ્કૃતનો અભ્યાસ કરેલો હતો.


રઘુનાથદાસ

એ કવિ અમદાવાદ પાસે ગોમતીપુરમાં થઈ ગયો. નાતે લેઊઆ કણબી હતો અને સંવત ૧૮૩૬માં હયાત હતો. તે વિષ્ણુ ભક્ત હતો. તેણે શ્રીમદ્ભાગવત ગુજરાતીમાં રચેલું છે; તથા રામાયણ, ધ્રુવાખ્યાન અને છુટક છપા સવૈયા, પદ, ગરબિયો વગેરે રચેલાં છે. એની કવિતામાં ઘણી મીઠાશ છે. તેના વંશના કણબી ગોમતીપુરમાં હાલ છે, તેની પાસે રઘુનાથદાસનાં રચેલાં તમામ પુસ્તકો છે. પણે તે એવા વેંહેમી છે કે કોઈને છાપવા આપતા નથી. રઘુનાથદાસે ઉધવજીના સંદેશાની ગરબિયો રચેલી છે તેની મતલબથી એવું જણાય છે, કે સંસાર તજીને જોગી થવાની વાત તેને ગમતી નોહોતી. અને જેમ બને તેમ પરમેશ્વર ઊપર પ્રેમ ઘણો રાખ્યાથી કલ્યાણ થાય છે. પણ તપ કરવા વગેરેથી કલ્યાણ થતું નથી; એવો તેનો અભિપ્રાય હતો. એ કવિ પેહેલા વર્ગમાં ગણાય છે. એની કવિતા સઊથી સમજી શકાય એવી સહેલી છે.


પ્રીતમદાસ

એ કવિ ચડોતર જીલ્લાના સંધેસર ગામનો ભાટ હતો. તે સંવત ૧૮૩૮માં હયાત હતો. પ્રથમ તે વિષ્ણુ ભક્ત હતો. તેથી તેણે વિષ્ણુની ઉપાસના વિષે ઘણાં પદ કરેલાં છે. પછી તે બ્રહ્મજ્ઞાની એટલે વેદાંતી થયો હોય એવું જણાય છે. તેણે ગુજરાતી ભાષામાં ગીતા કરેલી છે. તથા પદ, ગરબિયો, ધોળ વગેરે છુટક કવિતા તેણે ઘણી કરેલી છે. એની કવિતામાં ઘણી મિઠાશ છે. તેથી માણસના મનને અસર થાય છે. એની કવિતા આખા ગુજરાતમાં ફેલાઈ છે. એ કવિ પેહેલા વર્ગમાં ગણવા લાયક છે. એના સંબંધી વિશેષ હકીકત મારા જાણવામાં આવી નથી.


લજ્જારામ

અમદાવાદનો ઔદિચ્ચ બ્રાહ્મણ સંવત ૧૮૪૩માં હતો. તેણે ભારતમાંથી કોઠાયુદ્ધ ગુજરાતીમાં કરેલું છે, તથા સગાળશાની વાર્તાની કવિતા કરેલી છે. એની કવિતામાં ઝાઝી મીઠાશ નથી, તેથી તે ઘણી પ્રસિદ્ધ પણ નથી. માટે તે ત્રીજા વર્ગમાં ગણવા લાયક છે.