પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૦ ⬤ ગુજરાતી નાટ્યવિવેચન
 

આપીને કહે છે કે 'ગુજરાતીમાં તેવાં ક્લાત્મક નાટક દુર્લભ છે.' સાહિત્યિક નાટક અને તખ્તા વચ્ચેનો વિચ્છેદ આપણે ત્યાં ચાલુ રહ્યો છે. જશવંત શેખડીવાળા પણ, અન્ય નાટ્યવિવેચકોની જેમ જ સાહિત્યિક ગુણવત્તા અને રંગભૂમિક્ષમતા બંને ગુણ ધરાવતાં નાટકો નથી-ની બૂમ પાડે છે. 'નાટ્યલોક'માં તેમણે ચંદ્રવદન મહેતાનાં નાટકોથી માંડીને ઇન્દુ પુવાર સુધીના સહુ નાટ્યકારોનાં નાટકોમાં યા તો 'મંચનક્ષમતા' નથી અને છે તો 'સાહિત્યિક ગુણવત્તા નથી' એવું અતિશયોક્તિ ભર્યું વ્યાપક વિધાન કર્યું છે. કેટલેક અંશે એ સાચા પણ હશે છતાં આ નાટ્યસર્જકોનાં નાટકોને ભજવાતાં જોયાં છે. મંચની શક્યતાઓમાં ભળીને નવી શક્યતાનો વિનિયોગ કરીને પ્રયોગશીલ નાટકો પણ મંચનક્ષમતા પુરવાર તો કરે જ છે. 'નાટ્યલોક' જશવંત શેખડીવાલા સંસ્કૃત નાટકોથી માંડીને, ગુજરાતી, હિન્દી અને પાશ્ચાત્ય નાટકોના સ્વરૂપની દૃષ્ટિએ કલાકૃતિ તરીકે તપાસે છે. આ તેમનું પ્રત્યક્ષ વિવેચન છે. ભજવાતા નાટકો વિશે – પ્રયોગશિલ્પ વિશે તેમણે ચર્ચા કરી નથી.

જશવંત શેખડીવાળા, સ્પષ્ટ વક્તા અને નિર્ભિક વિવેચકની છાપ ઊભી કરે છે. તેમની અભ્યાસનિષ્ઠા તેમનાં લખાણોમાંથી સ્પષ્ટ થાય છે.

મફતલાલ ભાવસાર (૧૯૩૪)

'નાટ્યાયન', એકાંકી : સ્વરૂપ અને વિકાસ, એ પુસ્તકમાં નાટકને લગતાં તેમનાં સંશોધન અને સમીક્ષાના સંગ્રહો છે. 'નાટ્યાયન' નાટકને સ્પર્શતા સિદ્ધાંત પ્રશ્નોની છણાવટ કરતા લેખકોનો સંચય છે. સાત લેખોમાં તેમણે 'નાટ્યકલાની રૂપરેખા, નૃત્ત, નૃત્ય અને નાટ્ય વચ્ચેનો ભેદ, નાટ્યવેદની ઉત્પત્તિ કથા, સંસ્કૃત નાટકનો ઉદ્‌ભવ રૂપકનું સ્વરૂપ અને અભિનય વિચારણા જેવાં શીર્ષકો ધરાવતા લેખોમાં સિદ્ધાંત ચિંતા છે.'

'નાટ્યકલાની રૂપરેખા' તેમણે નાટ્યશાસ્ત્રીય ગ્રંથો સિવાયના ગ્રંથ સંદર્ભે આપી છે. વૈદિક યુગમાં નાટ્યકલાની શું સ્થિતિ હતી તેની નોંધ કરી છે. રામાયણ - મહાભારતમાં કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં, અધ્યાયી અને મહાભાષ્યમાં, કામસૂત્રમાં પુરાણો, બૌદ્ધગ્રંથોમાં નાટ્યકલાનું મહત્ત્વ, તેના વિશેની નોંધ આદિની વિસ્તૃત માહિતી તેમણે આપી છે. પછીના લેખમાં 'નૃત્ત, નૃત્ય ને નાટ્ય' એ સંજ્ઞાને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ત્રીજા લેખમાં નાટ્યવેદ – નાટ્યશાસ્ત્રના ઉદ્‌ગમની કથા વિશે આલેખન કર્યું છે. એ જ કથાને ચોથા લેખમાં વિસ્તારી છે. વેદો પાસેથી 'નાટ્યવેદ' જીવન પામ્યો છે એમ તેમનું માનવું છે તે બહુધા સર્વસંમત મત છે. પાંચમા લેખમાં સંસ્કૃત નાટકોના ઉદ્‌ભવની કથા કહે છે. છઠ્ઠા લેખમાં રૂપકનાં સ્વરૂપ વિશે અભ્યાસપૂર્ણ ચર્ચા કરી છે. સાતમા લેખમાં ‘અભિનયનિરૂપણ'ની ચર્ચા