પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સ્વાતંત્ર્યોત્તર યુગનું નાટક વિશેનું વિવેચન ⬤ ૧૨૭
 

સમીક્ષાના બીજા 'તર્જની સંકેત', 'સંગભૂમિ' અને રંગભૂમિ વિશે – સાથે વિવિધ વિષયોને આલેખતા – વિચારતા લેખોનો સંચય 'નાટ્યવિહાર' તથા નાટ્યવિવેચનના 'નાટકનો જીવ' અને 'સામાજિક નાટ્ય, એક નૂતન ઉન્મેષ : વિજય તેંડુલકર' બે પુસ્તકોમાં તેમની વિવેચક પ્રતિભાનાં દર્શન થાય છે. 'દૃશ્યફલક', 'પ્રેક્ષા', 'તર્જની સંકેત' અને 'સંગભૂમિ' એ ચાર સંગ્રહમાં તેમનાં નાટ્યાવલોકનોમાંથી ગુજરાતી રંગભૂમિનો એક આલેખ મળે છે. ગુજરાતી નાટક રંગભૂમિ ક્યાંથી કઈ રીતે વિકાસ પામી તેનો ખ્યાલ તેમનો આ ચાર પુસ્તકોમાંથી મળે છે. નાટ્યના અવલોકનોમાં નાટ્યવિવેચકની તેમની મુદ્રાનાં દર્શન નથી થતાં છતાંય માપિયા કૉલમમાં કાયમ લખાતા લેખોનું એક દસ્તાવેજી મૂલ્ય છે. અહીં ગુજરાતી જ નહીં મરાઠી, બંગાળી. અંગ્રેજી રંગભૂમિ પર ભજવાતાં નાટકોનાં અવલોકનો એક સાથે મુકાયા હોવાથી અભ્યાસ કરનારને માટે અને રંગભૂમિના અન્ય રંગભૂમિની તુલનાથી મૂલ્યાંકન કરવામાં સરળતા રહે છે. ઉત્પલ ભાયાણી મુંબઈની ગુજરાતી રંગભૂમિની વાત કરે છે. તેમાં પક્ષપાતી અભિગમ જણાય છે. જોકે તેમના આ સંગ્રહોમાંથી બેત્રણ દાયકામાં વારંવાર ભજવાયેલાં નાટકોનો વિકાસક્રમ નક્કી કરી શકાય છે. ગુજરાતી રંગભૂમિ પર ગુજરાતી ભાષામાં રૂપાંતરો થયાં અને એ સફળતાપૂર્વક પ્રસ્તુત થયાં. ગુજરાતી રંગભૂમિ પર મૌલિક નાટકોની અછત-અભાવને પણ તેમણે આલેખ્યો છે. મુંબઈ-ગુજરાતી રંગભૂમિ પર મૌલિક ગુજરાતી નાટકો ભજવાયાં છે. ઉત્પલ ભાયાણી તેમના ચારેય ગ્રંથોમાં તેના વિશે વિસ્તૃત લેખો દ્વારા વાત પણ કરે છે ને છતાં નાટક નથી-ની બૂમો તેમનાં આ લખાણો પાડ્યા કરે છે. અલબત્ત, અહીં તેઓએ નોંધ્યું છે તેમ મુંબઈમાં ઘણાં નાટકો કાયમ ભજવાય છે પરંતુ તેમણે તેવાં જ પસંદ કર્યા છે જેમાં થોડુંકેય નાટક થયું હોય, ફરમાસુ, લોકભોગ્ય ને ધંધો ઘણો કરનારાં નાટકોમાં નાટકનો જ અભાવ તેમણે અનુભવ્યો છે એમ આપણે સરળતાથી માની લઈએ છીએ. રંગભૂમિ પર ભજવાતા દ્વિ-અર્થી સંવાદો અને અશ્લીલ ચેષ્ટા, હરકતો વાળાં નાટકો (એકાદ-બે નાટકો વિશે તેમણે વાત કરી છે) ને પણ ક્યારેક સમીક્ષાની એરણ પર લે છે. જોકે આ ચાર સંગ્રહમાં તેમણે નાટ્યનાં અવલોકનો કર્યા છે. જરૂર લાગી ત્યાં ટીકા કરી છે, તુલના કરી છે. પ્રશંસા કરી છે. તેમના નાટક પ્રત્યેના અભિગ્રહો, વલણો, પ્રતિભાવો આવશ્યકતા અનુસાર આપ્યાં છે. ક્યાંક તેમનો પક્ષપાત વ્યક્ત થાય છે. ક્યાંક માત્ર ટીકાત્મક વલણ જોવા મળે છે. કેટલાંક નાટકોને માત્ર ઉત્કૃષ્ટ કક્ષામાં મૂક્યાં છે ને કેટલાંકને સમીક્ષા યોગ્ય ગણ્યાં નથી. આમ આ ચાર સંગ્રહમાં ભજવાતાં નાટકનાં તાત્કાલિક થયેલાં અવલોકનો છે જેને પ્રકાશિત કરતી વખતે ફરી સુધાર્યા નથી. જેમ એ પહેલી વાર છપાયાં હતાં તેમ જ તેવાં જ સ્વરૂપે પુસ્તક રૂપે પ્રકાશિત થાય છે. તેઓ પોતે