લખાણ પર જાઓ

પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૦ ⬤ ગુજરાતી નાટ્યવિવેચન
 

તેમણે કર્યું છે. ભજવાયેલાં કે નહીં ભજવાયેલાં નાટકો કઈ રીતે ભજવી શકાય તેનું માર્ગદર્શન શ્રી કૃષ્ણકાન્ત કડકિયાના પુસ્તકમાંથી અવશ્ય મળે છે. આ પુસ્તકો એક પાઠ્યપુસ્તકની ગરજ સારે તેવાં થયાં છે. કૃષ્ણકાન્ત કડકિયા તેમની આગવી શૈલી થકી નાટ્યસમીક્ષામાં નવીનતા આણવાનો પ્રયત્ન કરે છે. નાટ્યસમીક્ષક હંમેશાં નાટક અને 'મંચ' કે 'ચાચર'ના ખૂણે ખૂણાથી વાકેફ હોવો જોઈએ. એટલું જ નહીં નાટકની દરેક સૂક્ષ્માતિસૂક્ષ્મ બાબતોને પણ તેણે ધ્યાનમાં લેવી જ પડશે એમ માને છે. કૃષ્ણકાન્ત કડકિયા અલબત્ત, નાટ્યસમીક્ષાનો જુદો જ આયામ પ્રસ્તુત કરે છે. નાટકને મંચ પર ભજવાતું કલ્પવું અને તેની ક્રિયા, ગતિ, વિશે આલેખ આપવો એ સાવ વિશિષ્ટ પ્રક્રિયા છે વિવેચનની. આનાથી તેમણે નાટ્યશિક્ષણના વિદ્યાર્થીઓને કે જેમણે નાટ્યના ક્ષેત્રમાં આગળ આવવું છે તેમને બહુ જ કામમાં આવે તેવી માર્ગદર્શક નોંધ ઉપલબ્ધ કરાવી છે.

નાટકના વિવેચન વિશે કોઈ ગૃહિતો સ્પષ્ટ થતા નથી. બહુધા નાટકમાં રસની શક્યતા, ક્રિયા વ્યાપારનો અવકાશ કે બહુ બહુ તો રંગભૂમિક્ષમતા વિવેચ્ય વિષય રહી છે. ઉત્પલ ભાયાણી પરંપરાગત શૈલીએ રિવ્યુ અને સમીક્ષાત્મક નોંધ વચ્ચે ક્યાંક મુકામ સ્થિર કરે છે. બહુધા તેમની સમીક્ષા પ્રત્યક્ષ – કૃતિલક્ષી વિશેષ રહી છે. નાટકના પ્રભાવની કે લોકો પર પડતી અસરો વિશે એમણે ચર્ચા અવશ્ય કરી છે. પણ નાટક જ્યારે પ્રયોગ રજૂ થતું હોય ત્યારે તેની પ્રત ઉપરાંત પણ અનેક બાબતોથી તે વ્યક્ત થતું હોય છે. તેમણે ગુજરાતી નાટકની મર્યાદાઓ વિશ્વનાં નાટકો સાથેની તુલનામાં વધારે જોઈ છે. 'દેશ-વિદેશની રંગભૂમિ' જેવા પુસ્તકમાં પણ રંગભૂમિ વિશેની સમીક્ષા નથી. 'વેઇટિંગ ફોર ગોદો' કે 'મહાભારત' ભજવાતું જોયાનો આનંદ ને આસ્વાદ અવશ્ય તેમણે કરાવ્યો છે પણ સમીક્ષા કરવાજોગ તેમાં કશું લાગ્યું નથી. 'નાટકનો જીવ'માં પણ તેમની સમીક્ષા કૃતિલક્ષી છે. અલબત્ત, તેમણે વિશ્વમાં ભજવાતાં એવાં નાટકોની ચર્ચા કરી છે જે આપણે ત્યાં આવ્યાં જ નથી. એનાથી આપણી લઘુતા જ વિકાસ પામે છે. ગુજરાતમાં નાટક નથીની બૂમ સાથે તેમનો અવાજ પણ ભળેલો છે. રૂપાંતરો ભજવાતાં તેના વિશે વિચાર કર્યો છે. પણ નાટ્યવિવેચનની અપેક્ષા સંતોષી શક્યા નથી. શ્રી કૃષ્ણકાન્ત કડકિયા પણ નાટ્યવિવેચનનો એવો કોઈ આદર્શ ઊભો નથી જ કરતા કે નવા વિવેચકોને માર્ગદર્શક બને.

સતીશ વ્યાસ પૂરી સભાનતા સાથે નાટકનું વિવેચન કરે છે. તેઓ સ્પષ્ટ માને છે કે 'ભજવાય તે જ નાટક' નાટકનું વિવેચન પણ તેની ભજવણીને આધારે જ થવું જોઈએ. પરંતુ સાથે એક મત પણ વ્યક્ત કરે છે કે સારી રીતે લખાયેલું નાટક કોઈ પણ કારણોસર ભજવી શકાયું નહીં કે બરાબર ભજવાતું નથી તો એમાં