લખાણ પર જાઓ

પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સુધારક યુગમાં નાટક વિશેનું વિવેચન ⬤ ૧૭
 

નાટ્યકારને પ્રોત્સાહિત અવશ્ય કરતા પરંતુ વિવેચ્ય પદાર્થ પ્રત્યેની સત્યનિષ્ઠા કદી છોડી નહોતી. નવા લેખકો સાથે ઉદાર વલણ રાખતા પણ સાહિત્યકૃતિની ગુણવત્તા સાથે કશી બાંધછોડ કદી કરતા નહીં. આથી જ ‘દુષ્ટ ભાર્યાદુ:ખદ ર્શક'ના લેખકને કહે છે ‘આ કીડીલા જુવાને આ નાટક છે એમ નથી લખ્યું એ જ આ આખી ચોપડી બનાવવામાં ડહાપણ વાપર્યું છે’ ... ‘ભાઈ લલ્લુને અમારી તો ભલામણ એ છે કે હાલ કેટલાક વખત સુધી નાટક-ફાટક લખવાનું ચેટક મૂકી દઈ છૂટક કવિતા બનાવવામાં જ મંડ્યા રહેવું, કેમકે એ તરફનું એનું વલણ ઠીક છે અને તેમાં જશ મેળવી શકવાનો સંભવ છે.’૨૪ નાટકના સ્વરૂપ વિશે નવલરામ ઉચ્ચ આદર્શ પ્રતિભાની આવશ્યકતાવાળા સર્જકની અપેક્ષા રાખે છે. નાટક એ ‘કાવ્યકળાની સર્વોપરી કલા’ છે આથી જ નાટક વિશેની આલોચના કરતાં તે વધારે સભાનતા રાખે છે. ‘કજોડા દુઃખદર્શક’ નાટકના કર્તાને એમણે સ્પષ્ટ સૂચના આપી છે – ‘નાટકનો વિષય એવો છે કે જેમાં વિચક્ષણ વિદ્વાનો પણ ફતેહ પામે તો તેમનાં ભાગ્ય સમજવાં. ‘બે સમજની બલા દૂર’ એ કહેવત પ્રમાણે હાલ નાદાન છોકરાઓને નાટક ભજવવા બનાવવાનો છંદ લાગ્યો છે, અને તેમને મન આ મહાન વિષય ભાજીમૂળા જેવો જ લાગે છે... હજી પણ અમારી ભલામણ એ જ છે પોતાની બુદ્ધિ ચાલે છે તેને વળગી રહી નાટક જેવી કાવ્યકળાની સર્વોપરી વાતમાં હાથ ઘાલી નકામા હાંસીપાત્ર થવું નહીં.’૨૫

નાટકને ભારતીય પરંપરા પ્રમાણે કાવ્યનો જ એક પ્રકાર માને છે. આથી નાટકોની સમીક્ષાનો આધાર પણ મુખ્યત્વે સાહિત્યિક કે કાવ્યગત માપદંડો જ રહ્યા છે. ‘ગોપીચંદ નાટક અને નાટકશાળા’ એ લેખમાં નવલરામ પંડ્યાની નાટકના વિવેચનની અવધારણા ઘડાતી અનુભવાય છે. નાટક, સ્વરૂપ, નાટકની લોકો પર થતી અસર, લોકરુચિનો નાટક પરનો પ્રભાવ તથા નાટકશાળાના સારા-માઠા પાસા અને તત્કાલીન આરંભની રંગભૂમિનું નિદર્શન કરાવતો આ લેખ છે. ‘ગોપીચંદ નાટક' ભજવાયેલું નાટક છે. ભજવાતા નાટકની સમીક્ષા નવલરામ પંડ્યાએ કરવા ધારી છે પણ થઈ શકી નથી. ‘ગોપીચંદ નાટક'ની પ્રત – એ ભજવાતા નાટકની પ્રત જે તે સમયે ભાગ્યે જ ઉપલબ્ધ થતી – તેમની પાસે આવે છે. તેનો અભ્યાસ કરતાં જે વિચારો જન્મ્યા છે તે ‘નાટકશાળા’નાં પ્રભાવને વ્યક્ત કરે છે. જોકે ગોપીચંદ નાટકના સંદર્ભે શરૂ થતી આ ચર્ચામાં ભજવાતા આ નાટક વિશે ઝાઝી ચર્ચા કરી નથી. છતાં તત્કાલીન રંગભૂમિ પર પ્રસ્તુત થતાં નાટકો વિશે અછડતાં તોય મહત્ત્વનાં નિરીક્ષણો તેમણે આપ્યાં છે.

‘નાટકશાળા’ તેમને મન ‘સુધારાની નિશાની’ છે. નાટકશાળાનો મહિમા કરે છે ને સાથે તેનું મહત્ત્વ પણ સ્વીકારે છે. ‘આખો જનસમૂહ, જ્ઞાન, વિચાર તથા