પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮ • ગુજરાતી નાટ્યવિવેચન
 

નથી. નવલરામ કે રણછોડભાઈએ પણ નાટકની ભજવણી કે અભિનય સંબંધે ચર્ચા કરી નથી. ગોવર્ધનરામ નાટક લોકભોગ્ય બને તે માટે નાટ્યકારોને સૂચના આપે છે ત્યારે નાટકના રંજનધર્મી સ્વરૂપનો જ ઉલ્લેખ કરે છે. વ્યવસાયી રંગભૂમિના વધતા વર્ચસ્વથી ચિંતિત છે. સાક્ષરોનો સંપર્ક રંગભૂમિને છે તેથી તેની અવદશા થતી અટકશે તેવી આશા સેવે છે. તેઓ વિદ્વદવર્ગને રંગભૂમિની 'સંજીવની ગુટિકા' કહે છે. જોકે વિદ્વદ્- વર્ગની ઉપેક્ષાથી તેમ જ રંગભૂમિના પ્રત્યક્ષ અનુભવ વિના લખાતાં શિષ્ટ નાટકોથી રંગભૂમિની ઝાઝી સેવા થઈ નથી. કાન્તે નાટકોને રંગભૂમિક્ષમ બનાવી ભજવવાની તૈયારી કરનાર દિગ્દર્શકને શબ્દથી નહીં પણ લાકડીથી ઠમઠોરેલા તે, કે નાનાલાલના 'જયા જયંત'ને ભજવવાની ઇચ્છા વ્યક્ત કરનારને વિદ્વાન કવિએ આ નાટકો તો ભવિષ્યની રંગભૂમિ માટે લખાયાં છે. કહી ચોખ્ખી ના પાડી દીધી હતી તે શું બતાવે છે ? ગોવર્ધનરામનો આશાવાદ આ વાસ્તવની સામે ટકી શક્યો નહીં.

ગોવર્ધનરામ તેમની વિશિષ્ટ શૈલીમાં નાટકની અપેક્ષા, આવશ્યકતા અને રંગભૂમિની સ્થિતિ વિશે નિરીક્ષણ – સમીક્ષા આપે છે. એકાદ દીર્ઘ લેખમાં તેમણે નાટકની સર્વાશ્લેષી ચર્ચા કરી છે. તેમના મતે જનભોગ્ય નાટક લખવાં જોઈએ, અંતર્જીવનને લગતા સામાજિક વિષયોનાં નાટકો લખવાં જોઈએ સાથે તે સર્વજનનું સમારાધન કરતા હોય તેવાં બને... આ બધી અપેક્ષા એક સાથે સફળ થવી તે સમયે લગભગ અશક્યવત્ હતી પણ તેમણે એક નાટ્યાદર્શ સ્થાપવાનો પ્રયત્ન કર્યો છે. એ દ્રષ્ટિએ તેમના પુરોગામી નાટ્ય- વિવેચકોની સરખામણીએ થોડા આગળ જણાય છે. પણ હજી નાટકને સમજવાના – મૂલવવાના માપદંડો સાહિત્યિક જ છે.

નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા (૧૮૫૯-૧૯૩૭)
વિવેચક અને ભાષાશાસ્ત્રી શ્રી નરસિંહરાવ દિવેટિયાની રુચિ નાટકમાં સારી એવી હતી, તેમણે પ્રેમાનંદનાં નાટકો વિશે શંકા વ્યક્ત કરી તે એ જ કારણે. 'અભિનય કલા' જેવું 'નટચમૂ'નું માર્ગદર્શન કરે તેવું પુસ્તક આપે છે. નરસિંહરાવે વારંવાર નાટકોનાં પ્રત્યક્ષ વિવેચનો કર્યા છે. નાટકની પ્રતને સમક્ષ રાખી પૃથક્કરણની વિધિથી નાટકને તપાસે છે – સમીક્ષા કરે છે. 'અભિનયકલા' નરસિંહરાવનો જ નહીં તે સમયનો એક વિશિષ્ટ ગ્રંથ છે. આખાય પંડિતયુગમાં નાટક વિશે લખાયેલો – અભિનય વિશે વિસ્તૃત માહિતી આપતો ગ્રંથ એ આ 'અભિનયકલા' છે. અભિનયકલા બે ભાગમાં વહેંચાયેલો નિબંધ છે. એક છે ઇતિહાસ વિભાગ, જેમાં અભિનય કલાનું સ્વરૂપ, તેનો વિકાસ, પ્રાચીન સમયનાં નાટકો, અન્ય દેશમાં નાટ્યકલા, નાટકનું બંધારણ, ઇતિહાસ, દ્રશ્યસામગ્રી – પોશાક, નાટકના આંતર સ્વરૂપના પ્રકાર, ઉદ્દેશ, રંગભૂમિ વિશેની વિસ્તૃત તલાવગાહી ચર્ચા મળે છે. તો બીજા 'કલાવિભાગ'માં,