લખાણ પર જાઓ

પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૪ ⬤ ગુજરાતી નાટ્યવિવેચન
 


મુખ્યતયા રૂપાંતરિત થયો છે. નાટકમાં થયેલા યોગ્યયોગ્ય ફેરફારોને તેમણે નોંધ્યા છે. આ નાટકમાં લોકપ્રિય થયેલા ગીતો વિશે નોંધ કરી છે. આ નાટકને ઘણી લોકચાહના મળી હતી. 'બ્રિટિશ નાટ્ય પરિષદ' વિશેનો વાર્તાલાપ પણ સંભારણા કે અહેવાલ જેવી છાપ ઊભી કરે છે. 'ગુજરાતના આદિ નાટ્યકાર' લેખક શ્રી રણછોડભાઈ ઉદયરામ દવે જન્મશતાબ્દી વર્ષ નિમિત્તે લખાયેલો. આદિ નાટ્યકારના સમગ્ર વાઙ્‌મય અને વ્યક્તિત્વનો પરિચય કરાવે છે. આ લેખમાં રંગભૂમિના ઉદ્દભવ ને વિકાસની ચર્ચા પણ તેમણે સમાંતરે કરી છે. શ્રી રણછોડભાઈ ઉદયરામ દવેના યશોદાયી નાટકોની વસ્તુલક્ષી સમીક્ષા તેમણે કરી છે. 'નાટ્યપ્રકાશ' જેવા વિવેચન ગ્રંથની સમીક્ષા કરીને તેના અગત્યને સ્થાપી આપ્યું છે. તેમણે કરેલા અનુવાદોને પણ રમણલાલ યાજ્ઞિક નોંધે છે. ગુજરાતના આદિ નાટ્યકાર શ્રી રણછોડભાઈ ઉદયરામની યોગ્ય સમીક્ષા કરી છે.

'રૂઢિચુસ્ત રંગભૂમિ' લેખમાં ધંધાદારી રંગભૂમિની પડતીનાં કારણોની ચર્ચા કરી આપણે કેવી રંગભૂમિ ઊભી કરવી જોઈએ તેનાં સૂચનો કર્યા છે. ઇબ્સન, શૉની પદ્ધતિએ રંગભૂમિમાં પરિવર્તનની અપેક્ષા તેમણે બતાવી છે. રૂઢિચુસ્ત રંગભૂમિએ નવાં મૂલ્યો, ભાવનાઓ સ્વીકારી પોતાનું અસ્તિત્વ ટકાવવું આવશ્યક છે. અવેતન અને રૂઢિચુસ્ત ધંધાદારી નટો સાથે મળીને કામ કરે તો અવશ્ય કંઈક વિશેષ – નવીન ઘટના બની શકશે, તેવો આશાવાદ રમણલાલ યાજ્ઞિકે કેળવ્યો છે. 'જો' એ આઇરિશ નાટ્યકાર, લોર્ડ ડન્સેનિની નાટિકા છે. તેના વિશે રમણલાલ યાજ્ઞિકે આસ્વાદ લેખ કર્યો છે. લોકપ્રિય નાટકોમાં ફૂલચંદભાઈએ 'કાદંબરી' પરથી રચેલા 'મહાશ્વેતા-કાદંબરી' વિશેની આસ્વાદલક્ષી સમીક્ષા છે. બીજા બે નાટ્યપ્રયોગોમાં 'માલતી માધવ' અને 'મુદ્રા પ્રતાપ’ પણ એવા જ રૂપાંતર પામેલાં નાટકો છે. ફૂલચંદભાઈની જેમ જ કવિશ્રી મૂળશંકર મૂલાણીનાં નાટકો પણ ઘણાં લોકપ્રિય થયા છે. આ બંને કવિયોનાં લોકપ્રિય નાટકોમાંથી મુખ્ય મુખ્ય નાટકોનો ભાવકલક્ષી આસ્વાદ કરાવ્યો છે. આ નાટ્ય પ્રયોગો વિશેનો આસ્વાદ લેખ છે. 'અજબ કુમારી', કે 'સૌભાગ્ય સુંદરી', 'જુગલ જુગારી' આદિ નાટકોમાં ખરેખર લોકપ્રિયતાનાં કયાં તત્ત્વો છે તેની ચર્ચામાં તેમણે નોંધ્યું છે કે 'મેલો ડ્રામા' – સનસનાટી ભરેલાં નાટકો વધારે લોકપ્રિય થાય છે.

'ડાહ્યાભાઈ ધોળશા' : નાટ્યકાર તરીકે એ લેખમાં ડાહ્યાભાઈનાં બે નાટકો વિશે, તેમની નાટ્યપ્રતિભા વિશે પરિચયાત્મક લખાણ છે. અહીં તેમણે ઉદયભાણ અને વીણાવેલી એ બે નાટકોની ભાવકલક્ષી સમીક્ષા કરી છે. આ બે નાટકોના સર્વાંગની સમીક્ષા પછી તેમણે કહ્યું છે કે આ પ્રમાણે જો આપણે ડાહ્યાભાઈનાં આ બે જ નાટકો લઈએ તો 'દેશી નાટક સમાજ'ના સંસ્થાપક કેવી સુંદર, નિર્દોષ,