રંગભૂમિ વિશે કડક ટીકા કરી હતી. 'નાટકો અને નાટકકારોની સંખ્યાના પ્રમાણમાં આપણું નાટકસાહિત્ય નિઃસત્ત્વ છે એમ કહેવું જ જોઈએ. પિટ ક્લાસની રુચિને સંતોષવાનું ભૂલું પાંગળું બહાનું કાઢી જે ભવાઈ ભજવાય છે તે ખરેખર ગુર્જર સાહિત્યને લાંછન રૂપ છે. જૂજ અપવાદો બાદ કરીએ તો નિકૃષ્ટ શૃંગારરસની જમાવટ કરવી, ગંભીરમાં ગંભીર પ્રસંગે કોઈ પણ રસ્તે હાસ્ય ઊપજાવવું, નિરક્ષર પાત્રોના મુખમાંથી ડહાપણ ભરેલા ટાયેલા ઓકાવવા, છીછરા ભક્તિ રસથી ધર્મઘેલછા ઉત્પન્ન કરવી અથવા તો શેક્સપિયરનાં ભાષાંતરોના કે બાદશાહ અને બીરબલની વાતનો સ્થાને-અસ્થાને ઉપયોગ કરી લેવો એમાં જ આપણાં નાટકોની સાર્થકતા, આપણા કવિરાજોની ખૂબી અને આપણા નાટ્યશાસ્ત્રની સિદ્ધિ સમાપ્ત થાય છે.'૧
તત્કાલીન રંગભૂમિ અને નાટ્યકારો વિશેનું આ દર્શન છે. ભજવાતાં નાટકોમાં મનુષ્યના વાસ્તવિક જીવનનો ચિતાર નહીં મળતો હોવાનું પણ તેમણે નોંધ્યું છે. 'સૃષ્ટિ લીલાના આબેહૂબ ચિત્ર, હૃદયના અકૃત્રિમ ભાવોનો ચિત્તાકર્ષક વિલાસ તથા સંપત્તિના અંધકારમાં અને બન્નેની મિશ્ર છાયામાં અથડાતા મનુષ્યોની આશાઓ, નિરાશાઓ તથા એમના અધઃપતન અને ઉદ્ગમનું હૃદયહારક આલેખન આપણા નાટ્યકારોની સ્વપ્નસૃષ્ટિમાં પણ ન મળે તો પછી એમની કૃતિમાંથી તો ક્યાંથી સંભવે.'૨ આવું થવાનું કારણ પણ તરત જ આપે છે. જ્યાં નાટકો દ્રવ્યપ્રાપ્તિ અર્થે જ લખાતા અને ભજવાતા હોય અને પોતે જે નાટકમંડળી સાથે જોડાયેલા હોય તે મંડળીની સૃષ્ટિમાં જ લેખકોના અભ્યાસ તેમ જ અવલોકન સમાપ્ત થતા હોય, ત્યાં નાટકોનું ખરું હાર્દ નષ્ટ પામે, પ્રેક્ષકોની અભિરુચિ અધમ બને અને વસ્તુસંકલના, પાત્રોની યોગ્યાયોગ્યતા, ભાવદર્શન, કલાવિધાન, સંગીત, અભિનય, રસિકતા કે સદ્બોધનો સંપૂર્ણ અભાવ દૃષ્ટિગોચર થાય તો શું આશ્ચર્ય ?'૩ આવી વિચારપ્રેરક સ્થિતિની વિડંબના કરીને કેળવાયેલા સર્જકોએ નાટક પ્રત્યે ધ્યાન આપવું જોઈએ એમ માને છે. આપણી રંગભૂમિ ઉન્નત કરવાનું કાર્ય સાહિત્યપ્રિય શિક્ષિત વર્ગનું જ છે. તેઓના હાથથી ઉચ્ચ પ્રકારનાં નાટકો લખાવાં જોઈએ. એટલું જ નહીં પરંતુ અનુકૂળતા પ્રમાણે શરૂઆતમાં ખાનગી રીતે ભજવાવાં પણ જોઈએ.'૪ અવેતન રંગભૂમિનો સૂત્રસંકેત અહીંથી જ પ્રાપ્ત થાય છે. નાટકો લખી-ભજવી પછી જ પ્રગટ કરવાં એમ તેઓ માને છે. આગળ ઉપર રંગભૂમિ પ્રત્યેનો તેમનો આદર કે સ્નેહ કે અપેક્ષા પ્રગટ કરતું ઉદ્ધરણ આવે છે. 'રંગભૂમિ એ ઘણી જ હૃદયહારક શિક્ષણશાળા છે. સંસારસાગરમાં બાથોડિયાં મારતાં મનુષ્યોના મલિન વિકારોને નિર્મલ કરવા, એમનામાં વિદ્યા, સંસ્કાર તથા સ્વાતંત્ર્યની વિભૂતિની સંક્રાન્તિ કરવી, સંક્ષેપમાં ભૂલોકને દેવલોક બનાવવો એ નાટકોનું પરમ સાધ્ય છે, અને તે કૃત્રિમ