તેમનો નાટક વિશેનો સિદ્ધાંત પક્ષ ભલે ધ્યાનમાં નથી આવતો પણ રંગભૂમિ નાટકની પ્રસ્તુતિ વિશેની તેમની સમીક્ષાઓ ભજવાતા નાટકના ગુણ-દોષને સુપેરે ખોલી આપે છે. 'નાટ્ય વિવેચનનાં ધોરણો ઘડાયા નથી'ની બૂમો બધા યુગમાં સંભળાયા કરી છે, પરંતુ ધનસુખલાલ મહેતાએ નાટ્યની સમીક્ષા કરી છે. ભજવાતા નાટકની પાસે એક સ્પષ્ટ સમજ ધરાવનાર અનુભવી સમીક્ષકની અપેક્ષા જ ઘણી વાર સમીક્ષાનાં ધોરણો નક્કી કરે છે. સમીક્ષાનું કાઠું એ રીતે સાપેક્ષ છે. ધનસુખલાલ મહેતાની સમીક્ષામાં તેમની અપેક્ષા જ ધોરણો બાંધી આપે છે. સંગીત, મૂકનાટકનાં સંગીત, નૃત્યથી માંડીને સંનિવેશ અને વેશભૂષા પણ કેવી હોવી જોઈએ તેની સ્પષ્ટતા કરે છે. સંનિવેશ, કાસ્ટ, રંગભૂષા-મેકપાદિ બધી જ બાબતો વિશે તેમણે આવશ્યકતાનુસાર ધ્યાન દોર્યું છે. રંગભૂમિ અને અવેતન રંગભૂમિ વિશેની સમીક્ષામાં તેમનો મત સ્પષ્ટ છે કે અવેતન અને સવેતન રંગભૂમિના કલાકારો, પારસી રંગભૂમિના કલાકારો આદિ સહુ સાથે મળીને નાટક ભજવે તો કંઈક અનવદ્ય – અપૂર્વ નીપજી આવે છે. અહીં આ પંચાવન લેખોમાં જુદી જુદી સંસ્થાઓએ ભજવેલા નાટ્યપ્રયોગોમાં મુખ્યતયા સાહિત્ય-સંસદ, આઈ.એન.ટી., રંગભૂમિ, ભારતીય વિદ્યાભવન, નાટ્યભારતી, લોકનાટ્ય સંઘ, પૃથવી-થિયેટર્સ, શાંતિ નિકેતન આશ્રમિક સંઘ, જેટલી નાટ્ય-નૃત્ય-સંસ્થાઓના પ્રયોગો વિશેની સમીક્ષા સંગૃહીત થયેલી છે. તેમની આ સમીક્ષામાંથી તેમનો નાટ્યવિચાર સ્પષ્ટ થતો આવે છે.
લેખક માને છે કે 'રંગભૂમિના વિવિધ પ્રકારો' છે. નૃત્ય, નાટ્ય બંનેને તેમણે રંગભૂમિના પ્રકારો માન્યા છે. અહીં નૃત્ય-નાટિકા, નૃત્ય-સંગીત-મૂક નાટિકાઓ અને એ સિવાયનાં અન્ય નાટકો તે ગદ્યનાટકો. નાટક એ ગદ્યનો પ્રકાર છે તેવી સ્પષ્ટતા તેમની સમીક્ષામાંથી મળે છે. ગદ્યનાટકને તેમણે રંગભૂમિનો પાયો કહ્યો છે. 'મીરાંબાઈ અને ભૂખ' સંગીત-મૂકનાટિકાની સમીક્ષામાં કહે છે કે 'શુદ્ધ ગદ્યનાટકોમાં ઉચ્ચ પ્રકારનો અભિનય કરે એવાં કેટલાં? બહુ ઓછાં, ઘણાં ઓછાં. આ પ્રમાણે રંગભૂમિનો વિકાસ પ્રમાણબદ્ધ થતો નથી. ગદ્યનાટકો તો નિયમિત રંગભૂમિનો પાયો છે – હોવો જોઈએ. માત્ર નૃત્ય અને સંગીતથી રંગભૂમિનો વિકાસ નહીં સધાય. કદાચ સસ્તી લોકપ્રિયતા પ્રાપ્ત કરી શકાય માટે રંગભૂમિના ક્ષેત્રમાં કાર્ય કરનારાંઓએ એનાં બધાંય અંગોનો કુદરતી અને સહજ સરખો વિકાસ સધાય એવા યત્નો-ભગીરથ યત્નો કરવા જોઈએ.'૧૬ 'આમ્રપાલી અને આપણી રંગભૂમિ' એ લેખમાં રંગભૂમિની ચિંતા કરી છે. એક સમયે જ્યાં દોઢસોથી વધારે નાટકકંપનીઓ કામ કરતી હતી ત્યાં જે તે સમયે માત્ર અડધો ડઝન કંપનીઓ જ મરવાને વાંકે જીવતી રહી એનું દુઃખ અને કંપનીઓની પડતીનું કારણ શોધવાનો પ્રયત્ન તેમના આ લેખમાં છે. 'નાટકશાળા' કહેવાતી આવી નાટ્યસંસ્થાઓ