સમાજના ઘડતરમાં મહત્ત્વનો ભાગ ભજવતી હતી. તેની દુર્દશાનાં કારણોમાં એક તે રંગભૂમિમાં કામ કરતા એક જ આશય-ઉદ્દેશવાળા કલાકારો અભિનેતા વચ્ચે જે સેતુ હોવો જોઈએ તે નહોતો તે છે. અવેતન રંગભૂમિએ તો સવેતન રંગભૂમિને જડમૂળમાંથી કાઢી નાંખવાના યત્નો આદર્યા, આથી પરસ્પર સહકાર શોધી પોત પોતાની બુદ્ધિ અને કાર્યદક્ષતાનો સમન્વય સાધવાનો યત્ન પણ રંગકર્મીઓએ કદી કર્યો નહીં. આને પરિણામે વાઘજી આશારામ ઓઝા, ડાહ્યાભાઈ ઘોળશાજી, મોટા અને નાના ત્રંબકલાલ, ઘેલાભાઈ, છોટાલાલ, બાલીવાળા, ખટાવ વગેરે વેતનીય રંગભૂમિના પ્રખર સંચાલકો એમના વિપુલ શક્તિશાળી કવિઓ અને ઉચ્ચ અભિનય કલા ધરાવનારા મશહૂર નટો જે માર્ગે ગયા કે જવાની અણી ઉપર હતા, ત્યાં આવ્યું નર્તન.'૧૭ ‘અંતમાં આટલું કહેવાની જરૂર લાગે છે. નૃત્ય નાટિકાઓ, સંગીત નાટિકાઓ નૃત્ય-સંગીત-મૂક નાટિકાઓ અને ફિલ્મો પ્રજાના સંસ્કારઘડતરમાં અચૂક ભાગ ભજવે છે. છતાં જે કાર્ય શુદ્ધ ગદ્ય નાટકો (તેમાંના અમુકમાં થોડા ઉચ્ચ કવિત્વ ભર્યા ગેય ગીતો હોય તો વાંધો નથી) પ્રજાના એકેએક વર્ગના ચારિત્ર્ય ને સંસ્કારઘડતરમાં કાર્ય કરે છે. તે ઉપરથી જણાવેલ બધાં નાટકો કરી શકવાના નથી, એ વાત પ્રજાના બાહ્ય અને આંતરજીવનમાં વિકાસ અને પ્રાપ્તિ સાધવા ઈચ્છતાં નટ-નટીઓએ જાણી લેવી ઘટે. એ શુદ્ધ ગદ્યનાટકોમાંથી અમુક નાટકો પ્રાચીન ભવ્યતાના અવશેષરૂપે કે પ્રતિબિંબ રૂપે ભલે હો, પણ બાકીના નાટકો તો આજના અને આવતી કાલના જ હોવા જોઈએ, એમાં સમાજના એકેએક ઘરનાં જીવન પ્રતિબિંબિત હોય, આંતરરાષ્ટ્રીય આંદોલનોના સાચા પડઘા હોય, માનવીઓની માનવતા કચરી નાખનાર સર્વબળોનો સામનો કરવાની ભીષણ પિપાસા હોય, સમાજમાં પ્રવર્તી રહેલા અનેક ઘોર અન્યાયો તોડવાના ઘણના ઘા હોય, જુદાં જુદાં અવેતન મંડળોમાં તીવ્ર સહકારભાવના હોય અને પોતાના પ્રયાસો અને અન્યના પ્રયાસોનો સમન્વય સાધવાની જબ્બર તાકાત હોય ! અને તે અવેતન રંગભૂમિનાં સાધનો વેતનીય રંગભૂમિના ઉત્કર્ષ માટે જ પ્રામાણિકતાથી વપરાતાં હોય ! આવી અનેક ઇચ્છાઓ સાચા રંગભૂમિના રસિયાઓનાં હૈયાંમાં રમી રહેલી હોવી જોઈએ. આ બધુંય શક્ય છે, વ્યવહારમાં આણી શકાય તેવું છે; જોઈએ છે માત્ર આ પ્રકારની તમન્ના અનુભવતાં સેવાભાવી કલાકાર યુવક-યુવતીઓ.'૧૮ ગુજરાતી નાટક અને રંગભૂમિના ઉત્કર્ષની ચિંતામાંથી આ ઉકેલ મળે છે.
'છીએ તે જ ઠીક' ક. મા. મુનશીના નાટક વિશેની સમીક્ષામાં કહે છે કે 'રંગભૂમિ ઉપરની તેની રજૂઆત વિશે અહીં લખવું છે એટલે આ પ્રહસનની સાહિત્યદૃષ્ટિએ સમાલોચના કરવાનું ઠીક નથી લાગતું. છતાં એટલું કહી દઉં કે જે દૃષ્ટિએ મુનશીજીનાં 'સ્નેહસંભ્રમ' અને 'કાકાની શશી'ને જોઈ અને કસી શકાય