લખાણ પર જાઓ

પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૮ ⬤ ગુજરાતી નાટ્યવિવેચન
 

અને બહારથી આવનાર પાત્રોની એન્ટ્રી ડાબી બાજુએથી થાય એવો પરાપૂર્વથી ચાલતો આવેલો પાશ્ચાત્ય રવૈયો આપણે અત્યાર સુધી પાળતા આવ્યા છીએ. ચંદ્રવદન ભટ્ટનાં સેટિંગ્ઝમાં એમનાં અમુક નાટકોમાં – એથી ઊંધો ક્રમ રાખવામાં આવ્યો છે. એનું ખાસ પ્રયોજન જણાતું નથી, અને આ સેટિંગ્ઝમાં પણ એ રીતે જૂની પ્રણાલિકા પ્રમાણે એન્ટ્રી – એક્ઝીટ થઈ શક્યા હોત તો પછી ફેરફાર શા માટે ? આવા પ્રણાલિકા ભંગ સલાહભર્યા નથી.'૨૭

નવી રંગભૂમિ અને ગદ્યનાટકોની ફિકર તેમની સમીક્ષામાં જણાય છે. પારકી જણીના એક પાત્રનાં મુખે ગવાયેલા ગીત અને સંગીતના અનૌચિત્યને નિમિત્તે તેમણે નવી રંગભૂમિના ઉદ્દેશની ચર્ચા કરી છે. 'નવી રંગભૂમિ આ રીતે ભ્રમમૂલક વિચારસરણીથી સંગીત વડે થોડી ટિકિટો ખપાવવાના યત્નો કરે એ પોતાનો જ દ્રોહ કરી રહી છે, એ દિશા ભણી લાલબત્તી ધરવાની અમે અમારી ફરજ સમજીએ છીએ. સંગીતની લ્હાણ લેવી હોય કે આપવી હોય તો એને માટે 'ઑપેરા'નું સ્વરૂપ રંગભૂમિના કાર્યકર્તાઓ પાસે મોજૂદ છે. માત્ર ગદ્યનાટકોને લોકપ્રિય બનાવવા તે નવી રંગભૂમિનું કર્તવ્ય છે. સાથે સાથે રંગભૂમિનાં અન્ય અંગો ઑપેરા, બેલે વગેરેને તો બહાર લાવવાં જોઈએ જ પણ એ બધાંનો ખીચડો કરી માત્ર પ્રેક્ષકોને આકર્ષવા લોકપ્રિયતા વરવાના યત્નો આપણે છોડવા જ પડશે – જો આપણે નવી રંગભૂમિનાં આગળ કૂચ કરતાં પ્રસ્થાનને વિજય બનાવવું હોય તો.૨૮

નવી રંગભૂમિના વિકાસની મૃદુ આક્રોશપૂર્ણ સમીક્ષા તેમણે કરી છે. જોકે કેટલાક મત વિશે આપણને પણ પ્રશ્નો થાય છે. તેમનું માનવું છે કે 'પરપ્રાંત અને પરદેશમાંથી આપણે ત્યાં રૂપાંતર તરીકે નાટકો લાવવામાં આવે છે એથી જ રંગભૂમિની આગેકૂચ આટલી વિજયી બની છે. એથી જ નંદકુમાર પાઠક જેવા લેખકને મૌલિક નાટકો લખવાની પ્રેરણા મળી છે અને મળતી રહેશે.'૨૯

રૂપાંતરોની સંખ્યા વધશે – લોકપ્રિયતા પણ વધશે, તો કયો લેખક મૌલિક નાટકો લખવામાં સમય બગાડશે તેવો પ્રશ્ન અમને તો થાય છે પણ ધનસુખલાલ મહેતા પોતે પણ રૂપાંતરકાર છે. ને તત્કાલીન રંગભૂમિની આવશ્યકતાનુસાર તત્કાલ તો રૂપાંતરો જ ભજવી શકાયાં હતાં. મૌલિક નાટકોનો અભાવ હરયુગમાં રહ્યો જ છે. રૂપાંતરોથી આપણા દિગ્દર્શક−નિર્માતાઓએ ચલાવી લીધું છે.

ધનસુખલાલ મહેતા નાટકોની લોકપ્રિયતા વિશે કહે છે કે 'લોકપ્રિય નાટક થવાના ઘણાં કારણો છે. એનો પ્લોટ સરસ હોવો જોઈએ, દિગ્દર્શન ઊંચા પ્રકારનું હોવું જોઈએ, સંવાદો દિલચસ્પ અને પાત્રોમાં 'કન્સીસ્ટન્સી' હોવી જોઈએ. સેટિંગ્ઝ આંખને ગમે તેવું અને પ્રકાશયોજના સંતોષકારક હોય તો જ નાટક આગળ ચાલે. આખું નાટક એક બહુ સરસ ઘડિયાળ હોય તેમ ટકોરાબંધ ભજવાવું જોઈએ.'૩૦