પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૨ગુજરાતી નાટ્યવિવેચન
 

જ્યોતીન્દ્ર દવે (૧૯૦૧થી ૧૯૮૩)

હાસ્યલેખક દાર્શનિક જ્યોતીન્દ્ર દવેએ પ્રસંગોપાત્ત આપેલાં વ્યાખ્યાનો અને લેખોમાંથી તેમનું કલામીમાંસકનું પાસું પ્રગટે છે. તેમના વિવેચનમાં નાટ્યસૂઝ અને તેમનો નાટ્યાનુભવ બંનેનો સુમેળ થતો અનુભવાય છે. અવેતન રંગભૂમિ પર ભજવાતાં નાટકોમાં જ્યોતીન્દ્ર દવે, ધનસુખલાલ મહેતા, રામપ્રસાદ બક્ષી આદિએ સક્રિય રીતે રસ લીધો હતો. જ્યોતીન્દ્ર દવેની નાટ્યસમીક્ષામાં તેમના આગ્રહો અને અપેક્ષાઓનો ખ્યાલ આવે છે. તેમના અવસાન પછી જ સાહિત્યતત્ત્વવિચાર, કાવ્ય અને નાટ્યવિચારને લગતા લેખો – વ્યાખ્યાનોનો સંચય 'વાઙ્‌મય ચિંતન' પ્રગટ થયો. વાઙ્‌મય-ચિંતનમાં રસ અંગેની ધ્યાનાકર્ષક ચર્ચા તો છે જ સાથે નાટક વિશે, નાટકની સાથે જોડાયેલી એવી ઘણી બાબતોની ચર્ચા કરી છે. નાટકનું મહત્ત્વ ભરત નાટ્યશાસ્ત્ર અને તેના આંગ્લ મીમાંસકના મતને આધારે સમજાવે છે. તેમાં કીથે કરેલું ખોટું અર્થઘટન ધ્યાનમાં આવે છે. ભરતે નાટકને જે અર્થમાં પ્રયોજ્યું છે તે ઉજાગર કરતો આ લેખ છે. નાટ્યશાસ્ત્રનો પરિચય બહુ સુંદર રીતે કરાવ્યો છે. શૈલી સહેજ પણ ક્લિષ્ટ નથી નાટ્યશાસ્ત્રને સમજાવવાની આ પણ પદ્ધતિ હોઈ શકે અને તે પણ સહજ સરલ સામાન્ય અભ્યાસી પણ સહેલાઈથી પામી શકે એવી બાનીમાં આ શાસ્ત્રીય ચર્ચા કરી છે. ભરત નાટ્યશાસ્ત્ર અને ગ્રીક નાટ્યશાસ્ત્રની એકતા વિશે તુલનાત્મક ચર્ચા કરી છે. 'નાટ્ય એ લોકવૃત્તાનુકરણ છે' એ ભરતનો સૌથી મહત્ત્વનો સિદ્ધાંત છે. નાટ્યશાસ્ત્રમાં સર્વત્ર ભરતે આ વસ્તુ પર ભાર મૂક્યો છે. નાટક એટલે અનુકૃતિ એ ભરતનો સિદ્ધાંત ગ્રીક નાટ્યશાસ્ત્રના Mimesisનું સ્મરણ કરાવે છે. પરંતુ ગ્રીક નાટ્યશાસ્ત્રની અનુકૃતિ અને ભરત નાટ્યશાસ્ત્રની અનુકૃતિ વચ્ચે મહત્ત્વનો ભેદ છે. અનુકરણની કલ્પના બંનેમાં સમાન છે પરંતુ શેનું અનુકરણ ને આલેખન કરવું એ વિષે બંનેમાં ભેદ છે. કીથના મતે ભરતે રસને કેન્દ્રમાં રાખ્યો છે પણ Actionનું અગત્ય ભાગ્યે જ વર્ણવ્યું છે. કીથનાં નિરીક્ષણ વિશે જ્યોતીન્દ્ર દવે કહે છે કે 'એરિસ્ટોટલ જેને ઍક્શન' કહે છે તેનો સમાવેશ ભરતે નથી કર્યો એમ કહી શકાય એમ નથી. ક્રિયા, કર્મ, વૃત્ત આદિ શબ્દોનો ઉલ્લેખ સ્પષ્ટ રીતે એણે વારંવાર કર્યો છે. ૩૯ જ્યોતીન્દ્ર દવે આમ તો ભરત નાટ્યશાસ્ત્રનો સમ્યક્ પરિચય કરાવે છે. નાટ્યશાસ્ત્રમાં ભરતને જે કહેવું છે તે જ સીધું વ્યક્ત કરે છે. નાટકનો હેતુ, મનોરંજન, લોકોપદેશ, હિતોપદેશ આદિ છે. તો નાટક ભજવાય પછી માન-સંમાન અને પૈસા પણ મળે છે તે હેતુની ચર્ચા કરે છે. ભરતે જેને નાટકનું મહત્ત્વનું અંગ ગણ્યું છે તે છે પ્રયોગ. નાટકમાં કાવ્યતત્ત્વ કરતાં એની અભિનય ક્ષમતાની જ વધારે આવશ્યકતા છે એમ ભરત માને છે. પરંતુ પછીના મીમાંસકોએ કાવ્ય તત્ત્વ અને રસતત્ત્વની જ ચર્ચા નાટકના સંદર્ભે