લખાણ પર જાઓ

પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૪ગુજરાતી નાટ્યવિવેચન
 

કોઈને લાંબા પ્રવાસે જવાનું થાય તો તે પણ અંકનો છેદ કરી દર્શાવવું. વર્ષથી વધારેનું ક્યારેય ન બતાવવું. બે અંક વચ્ચેની કાલમર્યાદા બે વર્ષથી વધારે ન હોવી જોઈએ એવો નાટ્યશાસ્ત્રનો નિયમ છે પણ તે સંસ્કૃત નાટ્યકારોએ પાળ્યો નથી. એક અંકમાં એક જ દિવસનું કાર્ય હોવું જોઈએ. એક જ સ્થળે તે થવું જોઈએ અને સર્વ પ્રસંગોમાં કાર્યેકતા સધાવી જોઈએ. એ સંબંધીના સંસ્કૃત નાટ્યશાસ્ત્રનો સંકેત ગ્રીક નાટ્યશાસ્ત્રને મળતો આવે છે.' ૪૩

આમ 'નાટકનું મહત્ત્વ' એ લેખમાં જ્યોતીન્દ્ર દવે નાટ્યશાસ્ત્રના મુખ્ય – અગત્યના મુદ્દાઓની ચર્ચા કરે છે. આ ચર્ચાની શૈલી બહુ જ સહજ-સરલ છે. સંસ્કૃત ઉદ્ધરણો સાથે સાધાર થયેલી ચર્ચામાંથી નાટ્યશાસ્ત્રની સમજ કેળવાય છે.

'રસાનુભવમાં તટસ્થતા' એ લેખમાં પ્રેક્ષક પર થતી નાટકની અસરો અને 'તન્મયતા એ તટસ્થતા' એ લેખમાં નટની તન્મયતા અભિનય આદિમાં કેવી હોવી જોઈએ તેની ચર્ચા કરી છે. નટે તાટસ્થ્યપૂર્વકની તન્મયતા કેળવવાની હોય છે એમ તેઓ કહે છે. નાટકકાર, નટ અને પ્રેક્ષક દરેકના મનમાં વિશિષ્ટ પ્રકારની તન્મયતા અને તાટસ્થ્ય તેમણે ઇછ્યું છે. ખાસ તો અભિનેતાનું તાટસ્થ્ય કેવા પ્રકારનું હોવું જોઈએ તેનું ચિંતન અહીં છે. 'અભિનેતા પોતાના વ્યક્તિત્વને અશેષ રીતે પાત્રના વ્યક્તિત્વમાં વિલીન કરી પોતાની જાતને વીસરી જાય તે શક્ય પણ નથી અને ઈષ્ટ પણ નથી. પાત્ર સાથે જે ઐક્ય એણે સાધવાનું છે તે ભાવૈક્ય છે. ભાવના વિષયમાં પાત્ર સાથે તદ્રુપ નહીં પણ તત્સમ થવાનું છે. તે જ નથી બનવાનું, પણ તેના જેવા બનવાનું છે.૪૪

'નાટક અને લોકરુચિ’ વિશે આમ તો નવલરામથી જ ચર્ચા થતી આવી છે. 'લોકોની નિમ્ન વૃત્તિને ઉશ્કેરવાનું ને નિમ્ન રુચિને સંતોષવાનું કામ કરતું ભવાઈ જેવું લોકનાટ્ય લોકરુચિને કારણે જ વિલુપ્ત થયું હતું. રંગભૂમિની પડતીમાં પણ પીટક્લાસની રુચિને સંતોષતાં નાટકોને લોકોએ તિલાંજલિ આપી હતી. અહીં જ્યોતીન્દ્ર દવેએ લોકરુચિને નાટક માટે ઘણી જ અગત્યની ગણી છે. 'કલા સર્જનમાં લોકમત’નું મહત્ત્વ સ્વીકારીને ચાલે છે. સાહિત્યના અન્ય પ્રકારો કરતાં નાટકને લોકો સાથે વધારે ગાઢ સંબંધ છે. લોકની રુચિ વિશે કશું સ્પષ્ટ કહી શકાતું નથી. એક નાટક ખૂબ જ સારું લાગ્યું હોય તો તેવું જ લખાયેલું નાટક લોકોએ ન સ્વીકાર્યું હોય એવું બને. વ્યક્તિની તેમ જ સામાજિકોની રુચિ માત્ર એકાદ વસ્તુ પર આધાર રાખતી નથી. સમય, સંયોગ, વાતાવરણ ઇત્યાદિ અનેક કારણો સહજ રુચિમાં પરિવર્તન આણી શકે છે.' ૪૫ લેખકો પણ માનવ મનને સમજીને તેની 'બુદ્ધિને નહીં પણ લાગણીને વૃત્તિને અસર કરે તેવાં' નાટકો લખે છે. મનુષ્યની સ્વાભાવિક વૃત્તિને અસર કરે તેવાં નાટકો લોકરુચિને વધારે અનુકૂળ પડે છે એ વાત સાચી હોવા