તેના કારણે થતા રસભંગ કે રસાભાસની શાસ્ત્રીય ચર્ચા તેમણે કરી છે. લોકરુચિ ઘડવાનું કામ નાટકનું કે કલાઓનું છે તેમ માને છે પણ આ લોકરુચિ કેવી છટકણી વસ્તુ છે તેની વિસ્તૃત છણાવટ કરી છે. લોકરુચિ વિના જૂની કે નવી કે ભાવિ કોઈ પણ રંગભૂમિ ટકી વિકસી કે સ્ખલિત થઈ શકે નહીં તેવું પ્રતિપાદન કરે છે, તે યથાર્થ છે. નાટકમાં સંગીત વિશે વાત કરતી વખતે નાટકને મદદરૂપ સંગીત હોઈ શકે, નાટકમાં મુખ્ય અભિનય છે. આથી 'સંગીતપ્રધાન' નાટકની વાત બહુ ઝાઝી ટકી શકે નહીં. 'ગાયન વિના નાટક નહીં' માનનારા જૂની રંગભૂમિના પ્રશંસકોના મત સામેનો વાસ્તવિક મત આપે છે.
નાટકનાં વિવિધ તત્ત્વોની ચર્ચા કરે છે ત્યારે નાટકનાં વાઙ્મય સ્વરૂપનો આધાર તો લે છે, લેવો પડે છે. પરંતુ નાટકના પ્રયોગને જ મહત્ત્વનો ગણે છે. કેટલાક મીમાંસકો નાટકને સાહિત્યનું સ્વરૂપ ગણતા નથી એની સામે નાટકમાં પ્રયોજાતી વાણી અને તેનું મહત્ત્વ સમજાવતાં સમીક્ષા કરી છે. નાટકના વાઙ્મય સ્વરૂપ વિના પ્રયોગ પણ ભાગ્યે જ શક્ય બને. નાટકનું ગદ્ય અને અન્ય સાહિત્ય સ્વરૂપનું ગદ્ય જુદું છે. નાટકને કાવ્યથી જુદું – ગદ્ય સ્વરૂપનું માને છે.
રામપ્રસાદ બક્ષી (૧૮૯૪-૧૯૮૨)
સંસ્કૃત – પાશ્ચાત્ય વિચારોના સમન્વયકાર તરીકે જાણીતા છે. તેમના 'નાટ્ય રસ' અને 'વાઙ્મયવિમર્શ જેવાં પુસ્તકોમાં સંગૃહીત થયેલા લેખોમાં તેમની અભ્યાસનિષ્ઠ દૃષ્ટિનો સુપેરે ખ્યાલ આવે છે. 'નાટ્યરસ'માં નાટ્યશાસ્ત્રનાં અનેક તત્ત્વોનું પૃથક્કરણ કરીને રસના પ્રત્યેક પ્રકાર ઉપપ્રકારનું ઝીણવટભર્યું વર્ગીકરણ કર્યું છે. રસ સંપ્રદાયના ઉદ્ગમ અને વિકાસનો ઇતિહાસ પણ આલેખ્યો છે. પ્રેક્ષકના અનુભવની લાક્ષણિકતા નટનું અનુસર્જનત્વ, પ્રેક્ષકની માનસિક, શારીરિક પ્રતિક્રિયાને નાટ્યશાસ્ત્રના આધારે તથા તે સમયના સંદર્ભે કેટલી પ્રસ્તુત છે તે વિશે ચર્ચા કરી છે. ટ્રેજેડીના કરૂણને તથા આપણી સંસ્કૃત પરંપરાના કરૂણને સાથે મૂકી આપી આપણા સંસ્કૃત નાટ્યકારોએ દુઃખપ્રધાન કે દુઃખાંત નાટકો કેમ ન આપ્યાં તેની મનનીય સમીક્ષા કરી છે. દુઃખપ્રધાન નાટકો સામાજિકને આનંદ કેમ પમાડે છે તે વિશે સંસ્કૃત અને પાશ્ચાત્ય સમીક્ષકોના મતને સાથે મૂકી આપીને એક સર્વ સાધારણ મત જન્માવવાનો યત્ન કર્યો છે. 'વાઙ્મય વિમર્શ'માં તેમના વિવિધ લેખો સંગૃહીત થયા છે. સંસ્કૃતમાં 'એકાંકી' વિશે તેમનો સ્વરૂપવિષયક ચિંતા કરતો લેખ ધ્યાનપાત્ર છે. આપણે ત્યાં એકાંકી જેવાં સ્વરૂપો હોવા છતાં એકાંકી બહારથી કેમ આવ્યું તેની ચર્ચા કરતી વેળા 'ભાણ, ઉત્સુષ્ટિકાંક, વ્યાયોગ આદિ સંસ્કૃત લઘુ નાટિકાઓની વિશેષતા – મર્યાદાઓનો પરિચય કરાવે છે. 'વાઙ્મય વિમર્શ'માં 'બર્તોલ બ્રેખ્ત’ની વિભાજન શૈલી વિશે પરિચય આપતો અને તેની સમીક્ષા કરતો