લખાણ પર જાઓ

પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગાંધીયુગમાં નાટક વિશેનું વિવેચન ⬤ ૭૫
 

વિશે પણ તેમનાં સૂચનો ધ્યાનપાત્ર બને છે. એ એમ માને છે કે નાટ્યકારે લખેલું નાટક અને ભજવવાનું નાટક બંને વચ્ચે તફાવત રહેવાનો જ. એ બંને એક જ હોય તોપણ રંગભૂમિની આવશ્યકતા – અપેક્ષાઓ પ્રમાણે નાટકમાં ફેરફારો કરવા જ પડે. આજે તો નવલકથાને પણ તખ્તાલાયક કરવાના પ્રયત્નો થાય છે. ચંદ્રવદન મહેતા તેમની આગવી સૂઝથી જ આ કામ કરતા.

તેમનો વિશ્વના નાટ્ય સમુદાય સાથેનો પ્રત્યક્ષ પરિચય હોવાથી વિશ્વમાં નાટકના શા હાલ છે ને આપણે ત્યાં નાટકની શું સ્થિતિ છે તેની ચર્ચા તેમણે વારંવાર કરી છે. 'એકાંકી ક્યાં કીંના કેવાં ?'માં એકાંકીના પ્રાગટ્યથી માંડીને વિકાસ સુધીનાં વિવિધ સ્થિત્યંતરો વિશે રસપ્રદ અવલોકન આપે છે. યશવંતભાઈ – બટુભાઈથી આરંભાયા પૂર્વે ૫૦ વર્ષ પહેલાં પારસી રંગભૂમિ પર એકાંકી હતાં તેની નોંધ તેમણે આપી છે. એકાંકીની વિશ્વના નાટ્યક્ષેત્રમાં શું સ્થિતિ હતી – છે તેની ચિંતા આ પુસ્તકમાં વિગતપૂર્ણ રીતે કરી છે. નાટકનાં વિવિધ અંગો વાચિક, આંગિક વિશે તેમણે સાવ અરૂઢ શૈલીથી ચર્ચા કરી છે. ભરત નાટ્યશાસ્ત્ર, યુરોપ-અમેરિકાની રંગભૂમિ વિશે, જાપાનની રંગભૂમિ વિશે પણ તેમણે વ્યાખ્યાનો આપ્યાં છે. યુરોપનાં છેલ્લામાં છેલ્લા નાટ્યપ્રવાહની માહિતી તેમના લખાણમાંથી મળે છે. પૂર્વ અને પશ્ચિમની નાટ્યસૃષ્ટિના વિવિધ રંગ તેમની વિશિષ્ટ શૈલીમાં લખાયેલી 'નાટ્ય ગઠરિયાં'માં જોઈ શકાય. 'નાટ્ય ગઠરિયાં'માં તો વિશ્વનાં ઉત્તમ અભિનેતાઅભિનેત્રીના અભિનય અંગે પણ ભજવાતાં નાટકોને વિશે આગવી સૂઝથી ચર્ચા કરી છે. નાટક સાથે જ નૃત્ય વિશે પણ તેમણે વિચારો વ્યક્ત કર્યા છે. ચંદ્રવદન મહેતા એ નાટકના વિવેચક કરતાં વિશેષ નાટ્યના કર્મશીલ છે. તેમનાં વ્યાખ્યાનોમાં નાટકની જે વિચારણા જણાય છે તે તેમની આગવી ને અરૂઢ શૈલીની છે. તેમની નાટ્યચિંતામાં અભ્યાસ ઓછો ને અભિનિવેશ વધારે જણાય છે.

જયંતિ દલાલ અને ચંદ્રવદન મહેતા બન્ને ધુરંધર નાટ્યચિંતકો છે. એકની નાટ્યચિંતા અભ્યાસપૂર્ણ રહી છે ને બીજાની અરૂઢ અભિનિવેશપૂર્ણ.

ચંદ્રવદન મહેતા અને જયંતિ દલાલની સમીક્ષાઓ પ્રગટ થાય છે તે અરસામાં જ ચુનિલાલ મડિયા, ગુલાબદાસ બ્રોકર, અનંતરાય રાવળ, આદિની સમીક્ષાઓ ધ્યાનમાં આવે છે. ચુનિલાલ મડિયા નાટકના માણસ છે. તેમના 'નાટક વિશે', 'નાટક ભજવતાં પહેલાં' અને 'ગ્રંથગરિમા'માં સમયાંતરે લખાયેલાં અવલોકનો પ્રગટ થયાં છે.

ઉમાશંકર જેઠાલાલ જોષી (૧૯૧૧-૧૯૮૮)

ઉમાશંકર જોષી આમ તો કવિ-સર્જક. વિવેચનનાં ક્ષેત્રમાં તેમનું પ્રદાન ઘણું. નાટ્યલેખક પણ ખરા. તેમણે 'શૈલી અને સ્વરૂપ'માં સાહિત્યસ્વરૂપો વિશે સૈદ્ધાંતિક