પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૮ ⬤ ગુજરાતી નાટ્યવિવેચન
 

થઈ ગયું ને 'નાટક'ની ઘોર ખોદાઈ. આજેય મૌલિક ઉત્તમ અભિનયક્ષમ નાટકોની આપણી ભૂખ સંતોષાતી નથી.

ગાંધીયુગનું નાટ્ય વિવેચન મૂલ્યનિષ્ઠ સ્વરૂપનિષ્ઠ અને ક્યારેક પ્રયોગ નિષ્ઠાનાં લક્ષણો ધરાવતું રહ્યું છે. મોટે ભાગે નાટ્યતત્વની ચિંતા વિવેચકોએ કરી છે. ગાંધીયુગના વિવેચકોનું કાર્યક્ષેત્ર માત્ર ગાંધીયુગ પૂરતું સીમિત નહોતું પછીના યુગમાં પણ તેમની વિવેચક પ્રતિભા અને દૃષ્ટિ સક્રિય રહેલી છે. આથી જ આધુનિકતાના આવિર્ભાવ સાથે નાટકમાં થતાં પરિવર્તનો તેમની નોંધમાં જણાય છે.

હસમુખ રાવળ

હસમુખ રાવળ 'નાટ્યસ્વરૂપ' એ પુસ્તકમાં નાટકના સ્વરૂપ વિશેની સૈદ્ધાંતિક સમીક્ષા કરી છે. આ પુસ્તકમાં નાટ્યવિચારથી આરંભીને નાટકની ઉત્પત્તિ, પાશ્ચાત્ય મત, ભારતીય નાટ્યકલા, કવિતા અને નાટક, પ્રેક્ષકગૃહ પણ ભારતીય અને પાશ્ચાત્ય મત, રંગભૂમિ અને નાટક, નાટકનો મુખ્ય ધ્વનિ, પ્રાણ, રસ કે સંઘર્ષ, રૂપક-ઉપરૂપકના પ્રકાર, ટ્રેજડી અને કોમેડી, નાટકના અન્ય પ્રકારો, નાટકનું અંતિમ ધ્યેય શું આનંદ કે ઉપદેશ ? આદિ વિષયોને ધ્યાનમાં લઈ નાટકનાં વિવિધ પરિમાણોનો સમ્યક્‌ પરિચય તેમણે કરાવ્યો છે. અહીં તેમણે ભારતીય અને પાશ્ચાત્ય વિચારોને સમાવી લીધા છે. એરિસ્ટોટલ પ્લેટોની વિચારણાથી નવા વિચાર સુધી એલિયટ, સ્તાનિસ્લાવ્સ્કી તથા ઍબ્સર્ડ સુધીની ચર્ચા તેમણે અહીં કરી છે.

નાટ્યવિચાર નામના પ્રકરણમાં તેમણે નાટકને 'દૃશ્યકાવ્ય'ના પ્રકારમાં મૂક્યું છે. તેનું કારણ આપતાં કહે છે કે 'નાટક દૃશ્યકાવ્યના સ્વરૂપમાં આવે છે. અન્ય ગદ્ય સ્વરૂપોના સર્જકોને જે મર્યાદાનાં બંધનોનો સ્વીકાર નથી કરવો પડતો, તે મર્યાદાઓનાં બંધનોનો સ્વીકાર નાટ્યકારને કરવો પડે છે. કેમ કે તેની રચના સમૂહઆનંદ માટે કરવામાં આવે છે.'૬૫ આ પ્રકરણમાં નાટકના સ્વરૂપની આવશ્યકતાઓ વિશે તેમણે ચર્ચા કરી છે. આ ચર્ચા એક સાહિત્ય સ્વરૂપ-કથા સ્વરૂપની કરતા હોય તેમ થઈ છે. નાટકમાં વસ્તુ, પાત્રો, સંઘર્ષ સંવાદો, કાર્યવેગ વિશેની અપેક્ષા વ્યક્ત કરી છે. નાટકની મહત્તાને ભરતમુનિ, કાલિદાસ અને ટી.એસ. એલિયેટના વિચારોથી સિદ્ધ કરી છે. અલબત્ત, પાઠ્ય અને નાટ્યનો ભેદ નથી પાડી શક્યા. વાંચવાનાં અને ભજવવાનાં નાટકો એ જુદાં માને છે અને તેના મૂલ્યાંકન વિશે પણ અસ્પષ્ટ જણાય છે. 'નાટકની મુલવણી સાહિત્યની દૃષ્ટિએ કરવી હોય તો થઈ શકે, પરંતુ તે માટે રંગભૂમિ તેમ જ લોકો માટે લખાયેલાં નાટકોની મુલવણીમાંથી દૂર રાખીને માત્ર સાહિત્યિક વાચ્ય નાટકોની મુલવણી સાહિત્ય-સિદ્ધાંતોથી કરવામાં