પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

'ગઝલ'ની ખાસિયત એ છે કે દરેક બેતમાં ભિન્નભિન્ન ભાવના કે લાગણી દર્શાવાય છે. કોઈ એક અમુક વિચાર, ભાવ યા લાગણી એક જ બેતમાં સમાઈ જાય છે, તેની પછીની બેતમાં તેને ખેંચવામાં આવતી નથી, મતલબ કે આખી ગઝલ એક જ ભાવનું દર્શન કરાવતી નથી, પરંતુ તેમાં જુદી જુદી ભાવનાઓ એકત્ર થયેલી જોવામાં આવે છે. કોઈક જ વખત આ નિયમનું ઉલ્લંઘન થાય છે.

દયારામની ગરબીઓ ખુલ્લા શૃંગારથી ભરેલી હોવા છતાં તેમાં ભક્તિરસરૂપી ગૂઢ અર્થ સમાયેલો છે એવી દલીલ કરવામાં આવે છે. તે જ ધોરણે 'ગઝલો'ના ખુલ્લા વસ્તુને, દારૂના પીઠાને, દારૂની પ્યાલી ભરી આપનાર સાકીને, માશૂક જોડેના મિલન–વસ્લને, ખુદ માશૂકને–સૂફીવાદના ગૂઢ તત્ત્વજ્ઞાનનું માર્મિક ધોરણ—એ વાદના સિદ્ધાંતો–ધ્યાનમાં રાખી, તે ધોરણ–તે સિદ્ધાંત વડે–તેની કદર કરી તેના ઉઘાડા - કેટલીક વખતે તો અશ્લીલસ્વરૂપને ઢાંકવું અને તેનો માત્ર ગૂઢ અર્થ જ કરવો એવું પ્રમાણ લાંબા કાળથી પેશ કરવામાં આવ્યું છે, ને તે માન્ય પણ રહ્યું છે, એમ કહેવું ખોટું નથી.

એ સૂફીવાદ-યા પ્રેમના તત્ત્વજ્ઞાનની સાંકળનો પહેલો અંકોડો એ છે કે, ખરા આશક અને માશૂક વચ્ચે કશી ભિન્નતા નથી, તેઓ એક જ છે. માશૂક એટલે પ્રિયા એટલે પ્રભુ. એ પ્રભુમાં લીન થઈ જવું, તેમની જોડે (વસ્લ) એકતા સાધવી એ મુમુક્ષુનો ધર્મ છે. એ એકતા, ભિન્નતાનો અભાવ કેવી રીતે મેળવાય, તે રસ્તો દિલ્લીના પ્રખ્યાત કવિ અમીર ખુસરૂએ નીચેની સાદી ને સરળ બેતોમાં આમ બતાવ્યો છે:

મન્ તો શુદમ, તે મન્ શુદી,
મન્ તન્ શુદમ, તો જાન શુદી,
તા કસ નગૂયદ બાદ અઝ્ ઇન
મન દીગરમ્ તો દીગરી.