લખાણ પર જાઓ

પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

હું તું થઈ ગયો, તું હું થઈ ગઈ,
હું શરીર (તન) છું, તું જીવ (જાન) છે,
કે જેથી હવે પછી કાઈ એમ ન કહે,
કે હું તારાથી ભિન્ન છું કે તું મારાથી ભિન્ન છે.

આપણે જેને પ્રેમલક્ષણા ભક્તિ કહીએ છીએ, જેને પ્રેમના તત્ત્વજ્ઞાન તરીકે ઓળખીએ છીએ—એ ભક્તિ અને એ તત્ત્વજ્ઞાન તથા સૂફીવાદની ભક્તિ તથા તેના તત્ત્વજ્ઞાન વચ્ચે સામ્ય છે; તે બન્ને લગભગ એક જ છે, એમ કહેવાને એ વિષયમાં બહુ ઊંડા ઊતરવાની જરૂર નથી. આપણી વેદાંતફિલસૂફી જે અભેદ-સાક્ષાત્કારત્વનો અનુભવ મેળવવા મુમુક્ષુને પ્રેરે છે, તેવી જ જાતની એકતા (વસ્લ) પ્રાપ્ત કરવા સૂફીવાદ અનુયાયી મથે છે.

અને એ વિષય ઘણો અટપટો છે. આમવર્ગને, સાધારણ જનતાને, સસ્તા સાહિત્યની સંસ્થામાંથી પ્રસિદ્ધ થતા ગ્રંથો જેમને માટે પ્રસિદ્ધ થાય છે, તે ગ્રંથ વાંચનારની મોટી સંખ્યાને એ કૂટ વિષયમાં રસ ભાગ્યે જ પડે; એવા સબબને લીધે તે સંબંધે વિસ્તારથી અને ચર્ચામાં ઊતરવું યોગ્ય નથી એમ સમજી વધારે વિવેચન કર્યું નથી. છતાં પણ જેને એ વિષયમાં રસ હોય, તેઓ જે આ સાથે આપેલી પુસ્તકોની યાદીમાંથી ફૂદડીવાળાં પુસ્તક જોશે તો તેમાંથી તેમને ઘણું જાણવાનું મળશે.

અરબ્બી યા ફારસી ગઝલોમાં આવતો માશૂક શબ્દ નારીજાતિમાં નહિ પણ નર જાતિમાં સમજવાનો છે એવો કેટલાકનો મત છે, તેનાં બે કારણ છે. એક તો એ દેશોમાં (અને ઉત્તર હિંદુસ્તાનમાં પણ કેટલેક દરજે) ખૂબસૂરત છોકરાઓ અને જેને મૂછને દોરો–રૂવાટાં ફૂટતાં હોય તેવા યુવકો તરફ તેમનાથી મોટી ઉમરનાઓનું આકર્ષણ વધારે પડતું જોવામાં આવે છે તે, અને બીજું એ કે માશૂક એ શબ્દ સ્ત્રી જાતિવાચક નથી. સ્ત્રી જાતિવાચક શબ્દ માશૂકે અથવા માશૂકા છે. પરંતુ બીજી