પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

અલેફ, બે, પે માં આવે છે. પરંતુ આ પ્રકારની રચના ફારસી ને ઉર્દૂ ભાષાના મૂળાક્ષરને લગતી ખાસ છે, એટલે તે સંબંધે વિવેચનને ગુજરાતી ભાષામાં સ્થાન નથી. 'ગઝલ' લખનાર ઘણું ખરું પોતે કવિ તરીકે પસંદ કરેલું નામ (તખ્ખ્લુસ) કાવ્યને છેડે આપે છે, પોતાનું ખરું નામ જણાવતો નથી.

આવી રીતે એક જ કવિને હાથે લખાયેલી ગઝલોના સમૂહને 'દીવાન' કહે છે.

'ગઝલ’ના મૂળ એટલે ફારસી સાહિત્યમાં ગઝલના વસ્તુ સંબંધે નીચે મુજબ નિર્દેશ કરેલો છે.

પ્યાર, સૌંદર્ય, મનની વેદના, ઉન્મત્તતા વર્ણવતા શબ્દ, વિયોગને અંગે પડતાં દુઃખોની વિગત, પ્રેમનું રુદન, માશૂક જોડે એક થઈ જવા માટેની ફિકર, ગાલ પરના તલ તથા રૂંવાટાનાં વખાણ, માશુક જોડે મુલાકાતની તીવ્ર ઈચ્છા, તેમજ સુખ-ચેનનો અભાવ, બેચેની, ઉજાગરો, અંતઃકરણ બાળી નાંખે એવા નિ:શ્વાસ, દુ:ખાર્તનાદ, રુદન, અશક્તિ અને શરીરના સુકાઈ જવાનું વર્ણન–એ સિવાય બીજું કાંઈ તેમાં હોવું જોઈએ નહિ. આ રીતે આશક–માશૂકના વિયોગની યાતના, માશુકની પોતાના આશક તરફ બેપરવાઈ, આશકની માશૂક પ્રત્યે મિલન માટે આજીજી અને વિજ્ઞપ્તિ, કાલાવાલા-કે જેને સેંકડે એક પણ વખતે સ્વીકાર થતો નથી, તે તેમાંથી નિર્દિષ્ટ થવું જોઈએ. આ ઉપરાંત મધ-દારૂના ઉપાસકોનો–પીનારાઓનો–આનંદ, વસંતઋતુનું સૃષ્ટિસૌંદર્ય, ગુલાબ અને બીજાં ફૂલોથી ભરેલા બાગ અને તેમાં ગાયન કરતાં બુલબુલ વગેરેની શોભાનાં વર્ણન પણ તેનું સાધન ગણાય છે. છેવટ ડોળઘાલુ સંતો અને કહેવાતા સૂફી દરવેશોનાં કારસ્તાન તથા ડોળ, તેમનાં પાખંડ ને દંભ, તેમનું બનાવટી અને કૃત્રિમ સાધુપણું—એને ઉઘાડા પાડવા તેમ જ તેવા ઇસમોને ચાબખા મારવા માટે પણ ગઝલને ઉપયોગ થાય છે.