આ વ્યાખ્યાનુસાર જોઈશું તો ગુજરાતીમાં લખાયેલી અને લખાતી ઘણીક કલાપૂર્ણ, સુરચિત ગઝલોને વસ્તુતાએ ગઝલ કહેતાં આપણે અટકવું પડશે; કેમકે ગઝલનું શરીર તે 'ગઝલ' નથી પણ તેનો પ્રાણ – તેનો આત્મા તે જ ગઝલ છે. 'ગઝલ' તે છંદોબદ્ધ રચનાનું નામ નથી, પણ અમુક રચનાના સૂક્ષ્મ ભાવશરીરનું નામ છે. એ જ ફારસી લેખક ઉમેરે છે કે, 'પ્રિયતમાના વિરહથી થયેલી દુ:ખદ દશા ઉપરાંત પ્રેમી હૃદયના વખતોવખતના નમ્ર કાલાવાલા, પ્રિયતમા તરફથી તેની સુનવણી અને તેનાં જુદાં જુદાં પરિણામોનો અનુભવ પણ ગઝલમાં આલેખાયેલો હોય છે. પ્રેમભક્તિના મધુપાનમાં મત્ત થયેલા હૃદયની મસ્તી અને પ્રેમને અનુકૂળ વસંત ઋતુના બહારનું વર્ણન પણ ગઝલમાં આવે છે.' ફારસી તથા ઉર્દૂમાં લખાયેલી ગઝલો જોતાં આ અભિપ્રાયનું વાસ્તવિકપણું સ્પષ્ટ થાય છે.
દયારામની ગઝલો હિન્દીમાં હોવાથી આ સંગ્રહમાં દાખલ કરેલી નથી, તોપણ એ બળતા હૈયામાંથી આવેલા ગઝલના ઉદગારો ખરેખર જ આબાદ ગઝલો છે. ગઝલમાં પહેલવહેલા ગુજરાતી લખનાર તરીકે આપણે સ્વ. દયારામભાઈને ગણવા જોઈએ. દર્દી દયારામનું ઝખ્મી જિગર ગઝલમાં ઈશ્ક પુકારે છે. જુઓ:–
"મદનમોહન પ્યારે મહેબૂબ મેરા હૈ,
"દિદાર હુવા જબસેં દયા દિલમેં ડેરા હૈ !
"ઇશ્કઝખ્મકી મારી ભયી મેં દીવાની;
"કોઈ બેલી નહીં સાહેલી, શોખી દિલકી યે જાની !
"ઈશ્કમય ઉસી પર વોહી મેરા જીવન.
"હુઈ ખલ્ક સારી ખારી કછૂ લગતા હૈ ન મન !
"એક યાદ મીઠી બતિયાં, છતિયાં ફાટ જાતી હૈ;
"કછૂ કહેને મેં નહીં આતા, નૈનાં ભરભર આતી હૈ !