પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૧૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૧3૯]

'તસવ્વર' અથવા 'તફક્કર' કહે છે. શાસ્ત્રમાં મન્દાધિકારીઓ માટે સ્થૂલ નિયમનાં જે બંધનો છે તેને જેમ પ્રેમમાં ડૂબેલાં ભક્તિનિમગ્ન હૃદયો ગણકારતાં નથી, પણ પ્રેમયોગમાં જ મત્ત રહે છે, તેમ સૂફી આશકો પણ શાસ્ત્રની પુરાણી વાતો કરતાં આત્માનુભવને વધારે મહત્ત્વ આપે છે. શાસ્ત્રાજ્ઞાને શબ્દશઃ સ્થૂળ અર્થમાં જ સમજીને તેને અનુસરવાની કર્મકાંડની પૂજનવિધિ વગેરેને 'શરિયત’ કહે છે. સૂફીઓ કર્મકાંડના એ પગથિયાને ઉલ્લંઘી જઈને એથી આગલા પ્રદેશની મુસાફરી કરનાર હોય છે. એ પ્રદેશ તે તત્ત્વવિચારની સાથે પ્રેમભક્તિનો છે અને તેને 'તરિકત’ કહે છે.

'સૂફીવાદ' એ ઇસ્લામનો ગુહ્યવાદ (મિસ્ટીસીઝમ) મનાય છે. તેના સ્થાપનાર હઝરત મહંમદ પયગમ્બર સાહેબના જમાઈ અને પહેલા ખલિફ હઝરત અલી સાહેબ ગણાય છે. હઝરત અલી સાહેબના ૪૫ શિષ્યો સૂફીવાદની આન્તર દીક્ષા લઈને આર્ય સંન્યાસીઓની પેઠે ધ્યાનપરાયણ નિવૃત્ત જીવન ગાળતાં. સંન્યાસીઓ જેમ પોતાને માટે તીર્થયાત્રા ઈત્યાદિ આવશ્યક માન્યા વિના, આત્મા–પરમાત્માની એકતાનું જ ચિંતન કર્યા કરે છે, તેમ 'સૂફી' પણ ઇસ્લામી પયગમ્બરો કે કાબા કરબલા ને મક્કામદીનાની કશી પરવા કરતો નથી. સૂફી આશકોમાં બસરાનાં રખિયા નામનાં એક પાક ખાન હિઝરી સનની બીજી સદીમાં થયેલાં છે. તેમનું જીવન કેટલેક અંશે મીરાંબાઈને મળતું છે. કાબાનું મન્દિર–જેને ઇસ્લામીઓ બહુ પવિત્ર ગણીને માન આપે છે, તે જોઈને તેમણે કહેલું કે –

"હું માત્ર ઇંટો અને પથ્થરનું મકાન જ જોઉં છું. એનાથી મને શો લાભ છે? ઓ માલેક ! મારે તો માત્ર તારી જ ગરજ છે.”

બાહ્ય કૃતિઓને તેમજ બાહ્ય વિધાનોના આડંબરને