પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૪૪ ]


મુબારક હો તમને આ તમારા ઈશ્કના રસ્તા;
અમારો રાહ ન્યારો છે, તમોને જે ન ફાવ્યો તે.

તમારા માર્ગમાં મજનૂ અને લૈલી શીરીં ફરહાદ
ચિરાયેલાં કપાયેલાં પડ્યાં છે લોહીથી ભીનાં.

ગુલામો કાયદાના છે ! ભલા ! એ કાયદો કોનો ?
ગુલામોને કહું હું શું ? અમારા રાહ ન્યારા છે.

મને ઘેલો કહી લોકો, હઝાર નામ આપો છો !
અમે મનસૂરના ચેલા ખુદાથી ખેલ કરનારા.

નહીં જાહોજહાલીના, નહીં કીર્તિ, ન ઉલ્ફતના-
અમે લોભી છીએ, ના ! ના ! અમારા રાહ ન્યારા છે.

તમારી બેવફાઈના, હરામી ને હલાલીના-
ચીરી પડદા અમે ન્યારા, અમારા રાહ ન્યારા છે.

અમે મગરૂર મસ્તાના, બિયાંબામાં રઝળનારા,
ખરા મહબૂબ સિંહો ત્યાં ! હમારા રાહ છે ન્યારા !

કુરંગો જ્યાં કૂદે ભોળાં, પરિન્દાનાં ઊડે ટોળાં,
કબૂતર ઘૂઘવે છે જ્યાં, હમારા મહેલ ઊભા ત્યાં.

લવે છે બેત નદીઓ જ્યાં, ગઝલ દરખત રહ્યાં ગાતાં,
અમે ત્યાં નાચતા નાગા, અમારા રાહ છે ન્યારા.

તમારા કૃષ્ણ ને મોહમદ, તમારા માઘ કાલિદાસ,
બિરાદર એ બધા મારા, હમારા રાહ છે ન્યારા.

હતાં મહેતો અને મીરાં ખરાં ઈલ્મી, ખરાં શૂરાં;
અમારા કાફલામાં એ મુસાફિર બે હતાં પૂરાં.