પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૫૮ ]


લઈ લે મૃદુ આમોદ તો, તુંને ઉઝરડો છો થતો.
ભોંકાય તો ભોંકાય છો, એ મામલાથી શું ડરે ?

તારા હૃદયઆત્માતણાં વારિ અહીં ઊંડાં ભર્યા;
પ્રભુ પ્રેરતાં ઊછળ્યાં કર્યા, એ જોશથી તું શું ડરે ?

બસ ! છોડ તુજ પહાડી ઝરો, છો એ પ્રલયમાં ઊછળો;
છો કો સુરૂપે આફળો, છો તૂટતો, તું શું ડરે ?

બદલો મળે કે ના મળે, શુક એક પાંખે શે પળે ?
એ તર્ક શા જૂઠા કરે, ઊડી જો ઊડી, તું શું ડરે ?

પાષાણના પદ ચુમ્બતો જો કેમ સિન્ધુ કૂદતો,
જ્યાં સખ્ત ઊભી ભેખડો, તો તું અરેરે ! શું ડરે ?

તે ઊર્મિઓ પાછા પડે, મગરૂર ગિરિ તે ના ગણે;
તોયે સલિલ ભેટ્યા કરે, જે પ્રેમનું તે શું ડરે ?

જો ઘાસ ઝરણાં પાસનું જે પ્રેમ પી નીલું બન્યું,
તુજ પદ કને જે છે ઢળ્યું તે ના ડરે, તું શું ડરે ?

એ ના પુકારે કોઈએ, 'અમ અંગ કચરાઈ મરે,'.
અમ યત્ન સૌ ધૂળે મળે !' તો ઊઠ, ઊઠ, તું શું ડરે ?

આ શુષ્ક લૂખી આલમે અપકારીઓના રાહને
થઈ ઘાસ કર રસભર અને એવું થતાં તું શું ડરે ?

તુજ અંગતરણાં સૂકશે, ચારો ય ના તેનો થશે;
તો શું પડ્યો છે દહેશતે ? ઊભી ચારુતા ત્યાં શું ડરે ?

જો ક્ષીરસાગરના સમું પ્રભુએ હૃદય નિજ પાથર્યું,
એ બિન્દુ ના કોને મળ્યું ? તે પામતાં તું શું ડરે ?