પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
100
ગુજરાતનો જય
 

લલિતાએ પણ સ્વીકારી લીધું હતું. અનોપને ઘરમાં આવ્યાં ત્રણ વર્ષ થઈ ગયાં હતાં. પોતે હજુ આજે જ પ્રવેશ પામતી હતી.

અનોપ પોતાના ઓરડામાં એકલી હતી. બેઠી બેઠી જેઠની પોથીઓમાંથી એક લઈને દીવે વાંચતી હતી. એ ભોંય પર બેઠી હતી. બિછાનું ભોંય પર જ હતું. એના શ્યામ ચહેરા પર સબૂરીની ઝલક હતી. પતિ બહાર પથારી કરાવીને સૂતો છે, છતાં પોતે કશી આકુળતા બતાવતી નહોતી.

“અનોપ ! જરા બહાર આવોને?” લલિતાએ પાછલે બારણે બહાર ઊભીને પૂછ્યું.

“કાં ભાભીજી !” અનોપે પોથી નીચે મૂકી “આવોને અંદર ! કોઈ નથી.” સંકોડાતી જેઠાણીએ અંદર જઈને આશ્ચર્ય અનુભવ્યું. દિવસભરની રસિકા, મર્માળી અને ઉલ્લાસમૂર્તિ આ દેરાણીનો શયનખંડ શણગારેલા અપાસરા જેવો કાં? શૃંગારસામગ્રી કેમ જાણે અણવાપરી કોઈની રાહ જોતી હોય તેવી? અત્યારે શું પતિને સૂઈ જવાનો ને પત્નીને ધર્મનાં પાનાં વાંચવાનો પહોર છે? પાથરેલો ઢોલિયો એક કરચલીનું પણ ચિહ્ન કાં બતાવતો નથી?

“કેમ આવ્યાં? કહો.” અનોપે પૂછ્યું.

“તમારા જેઠ કાંઈક પૂછવા માગે છે.”

“ચાલો.” કહી, જતનથી પોથી બીડીને એ લલિતાને ઓરડે ગઈ.

વસ્તુપાલ વિનયમૂર્તિ બની ઊભો હતો. અનુપમાનું શીલ પણ સંયમપૂર્ણ હતું. જેઠ અને નાનેરી વહુ, બેમાંથી કોણ કોની વધુ આમન્યા પાળી રહ્યું હતું એ કહેવું કઠિન પડે.

"બોલો, અનોપ !” લલિતાએ વાત શરૂ કરી, “બા આજે બેઠાં હોય તો શી આજ્ઞા કરે ?"

"અનુપમા,” વસ્તુપાલે કહ્યું, “તમે આ ઘરમાં બાને સ્થાને છો. તમે બોલશો તે હું બાનું બોલ્યું ગણીશ. લલિતા આજે શું ગાંડપણ લઈને સાસરે આવી છે? તમે એને આખો દિવસ ક્યાં છુપાવી હતી?’

“બાને ખબર હતી,” અનોપ જેઠની સામે શ્રદ્ધાભરપૂર નેત્રે બોલી, “કાનડ બાપા જ બાને કાને વાત નાખી ગયા હતા. સોખુબેન વિશેની ચિંતાથી કાનડ બાપા બા આગળ રોઈ પડ્યા હતા.”

“બાએ શું કહેલું?”

એ તો છેલ્લી પથારીએ હતાં. હસ્યાં હતાં. મને એકાંતે બોલાવીને કહ્યું હતું કે ભાઈને કહેજે, એક મ્યાનમાં બે તલવાર ભલે ન હોય, એક ભેટમાં બે કટારી