પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
'ભાગજે, વાણિયા!'
123
 

છે એકલી મરચવટની વેળા. હું અહીં મરું તો જેતલબાને મારા જુવાર કહેજો.”

સદીક શેઠનો ઘોડો સામી ફોજ પાસે પહોંચી ગયા પછી થોડી જ વારે એ ફોજમાં હલનચલન થઈ રહેલું વસ્તુપાલે નિહાળ્યું. સાગરજળમાંથી ભભૂકતા વડવાનલ સમી સેના ખડી થઈ, હાલકલોલ બની, આગળ વધી. જોતજોતામાં તો એ સેનામાંથી ચક્રાકાર રચાયો. વસ્તુપાલ સમજી ગયો. શંખની ફોજ ત્રણે બાજુ કૂંડાળે પડીને પોતાને ઘેરતી આવે છે.

વસ્તુપાલે ભુવનપાલની સામે નજર કરી. ભુવનપાલ ઊભો હતો – નિશ્ચલ, શ્યામરંગી કો ખડક સમો – સાગરમાં ખૂતેલો ભેંસલો ખડક શોભે છે તેવી અદાથી.

“ભુવનપાલ!” વસ્તુપાલે સ્મિત કરીને શબ્દો કહ્યા, “ભાઈ ! તારે માબાપ છે?"

ભુવનપાલે ડોકું હલાવ્યું. એની આંખો ચક્રાકાર રચતા ને સંકોડાતા, ચાંપતા આવતા શત્રુસૈન્ય તરફ ખીલે ઠોકેલી હોય તેવી નિશ્ચલ હતી.

"ભુવનપાલા” મંત્રીએ આગળ કહ્યું, “હજુ તારી પાછળ ખુલ્લો માર્ગ છે, તું જઈ શકે છે."

ભુવનપાલે મંત્રી તરફ જવા સરખીયે પરવા કરી નહીં. એ નિશ્ચલ ઊભો. ને વસ્તુપાલને સાંભરી આવ્યા – શાસ્ત્રોના ઇતિહાસમાં અવિચલિત ધ્યાન ધરીને ઊભનારા શિર પર અગ્નિચૂલા મુકાવા છતાં ધ્યાનભંગ ન થનારા જિન સંતવીરો. ભુવનપાલ કોઈક એવા એકધ્યાનથી કર્તવ્યને ઉપાસી રહ્યો હતો.

“ભુવનપાલા” શત્રુસૈન્ય સૂકા કાંટાની વાડના દાવાનલ સમું ભિડાતું આવતું હતું તે વેળાએ – તે છેલ્લી પળે – વસ્તુપાલે કહ્યું: “ભુવનપાલ, વયજૂકા યાદ આવતી નથી ?”

બસ એ એક જ વાર ભુવનપાલની આંખો ચમકી. એ એક જ ઘડી એણે વસ્તુપાલ તરફ નિહાળી નીચા વળી નમન કર્યું. એને પહેલી જ વાર, જીવનના શેષ સંધ્યાકાળે ખબર પડી કે મંત્રીને એની બહેન પરના પોતાના પ્રેમની જાણ છે.

મંત્રી જાણે છે ! છતાં કદાપિ કળાવા દીધું નથી, એક વર્ષ થઈ ગયું તોપણ મંત્રી મૂંગા રહી શક્યા ને ઊલટાનો મને પાળ્યો-પોષ્યો, લશ્કરી તાલીમમાં કસ્યો, પહેલી જ સવારીમાં મને – છેલ્લી હરોળના સૈનિકને – સાથે લીધો. શું મારું આ પ્રકારે કાસળ કાઢવા? કે મને...

ભુવનપાલ! ભડકીશ ના વયજૂકાનું તારી સાથેનું વાગ્દાન આ શિર પર ઊભેલા સૂર્યની સાખે, પ્રેમિકોના શ્રેષ્ઠ એવા આ રત્નાકરની સામે, ને આ શત્રુસૈન્યની અસિઓની સાખે હું તારી સાથે કરું છું. ભુવનપાલ ! મને ખબર નથી કે એ વાગ્દાનનું