પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
'ભાગજે, વાણિયા!'
129
 


મશાલોના ભડકા બાળતી એક નાની એવી સેના કોણ જાણે ક્યાંથી આવી ચડી, દરિયાના કિનારા સુધી ગઈ, ને લંગર ઉપાડતાં વહાણોની પાછળ હાકોટ પાડી રહી: 'ખડો રે', હો થારી મારા ટાબર શંખ ! ખડો રે!”

વિસ્મય પામતા ઊભેલા વસ્તુપાલે ગુજરાતમાં આ નવીન ભાષાના ઉચ્ચાર સાંભળ્યા. ચંદ્રાવતીની પુત્રી અનોપની જીભનો સહેજ વળાંક આને મળતો આવતો હતો. કોઈ મારુ ફોજ આવી ચડી કે શું? બકરું કાઢતાં આ કોઈ ઊંટ તો નથી પેસી ગયું? જે ચાર મારુ રાજાઓની ચડાઈ સાંભળી છે તેના તો કોઈ સાથીઓ નહીં? વીતરાગ દેવ ! આ તે બધું શું બનવા બેઠું છે?'

પછી એ આકાશનાં નક્ષત્રો તરફ નિહાળીને હસ્યો. સપ્તર્ષિના પહેલાં ચાર ચાંદરણાંએ દર્શન દીધાં. પાંચમા અંગિરસ પછી છઠ્ઠા વશિષ્ઠની પાસે અરુંધતી ટમટમી: એને સંબોધીને મંત્રી બોલ્યા: “મારે તો જીવવું હતું રસભોગી કવિ થઈને,. અને હું જઈ પડ્યો આ રક્તભોગમાં.”

પણ હાસ્ય વિરમ્યું. સામે ભુવનપાલનો દેહ પડ્યો હતો. એને ચાટવા આવતા એક શિયાળને તગડતો એ ઊભો રહ્યો. એના અંતરમાં શબ્દ હતોઃ 'વયજૂકા બેન ! તને તારા ભાઈની લજ્જાએ મૂંગી મારી રાખી. એ મૌનની વ્યથા ત્રીજું કોઈ નહીં જાણે !'