પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
140
ગુજરાતનો જય
 

વીરધવલ દિગ્મૂઢ નજરે જોઈ રહ્યા. પણ ચાહમાનોનાં મોં ઉપર રંગ બદલાયા નહીં. રાણાનું મોં પડી ગયું. એણે વસ્તુપાલ સામે જોયું. મંત્રી સમજી ગયા કે આ પગારની રકમ સાંભળીને રાણાની છાતી બેસી ગઈ છે. એ બહાર ચાલ્યો ગયો. એમ થયું કે રાણા બહાર આવે તો વાત કરું. થોડી વારે ગણતરી ગણીને રાણાએ કહ્યું: “એક લાખમાં તો સો સો ભટ વસાવી શકાયને, ભાઈ!"

ચાહમાનોનાં મોં પર સહેજ સ્મિત ફરક્યું. તેમણે વિનય છોડીને કશો ઉત્તર ઉચ્ચાર્યો નહીં. એટલે રાણાએ ફરીને કહ્યું: “સો સો ભટ જેટલું કામ અક્કેક જણ ચાહે તેવો બહાદુર હોય તોયે શી રીતે કરી શકે? ને મારું વાટકીના શિરામણ જેવડું ધોળકે શું આપી શકે?"

“તો કંઈ નહીં, રાજન્! અમે આનંદથી રજા માગીએ છીએ.”

એમ કહીને ત્રણેયએ પાનબીડાં ખાધાં. ત્રણેયને મોટા સરપાવ આપી, પાઘ બંધાવી, ક્ષમા માગી વિદાય દીધી.

પાછળથી મંત્રીએ રાણાને સમજાવ્યા: "આપે મોટી ભૂલ કરી, મૂલ્ય માણસનાં છે, સંખ્યામાં નથી”

"પણ મારી તો અક્કલ જ કામ કરતી નથી કે અક્કેક જણો અક્કેક લાખના પગારે ધોળકાને કેમ પરવડે! એ કરતાં સૈન્ય ન વધારીએ!”

મંત્રીને અફસોસ થયો. વધુ વિવાદ કરવાનું ઉચિત ન લાગ્યું. બાજી હાથમાંથી ગઈ હતી. એ ઘૂંટડો પી ગયો. એણે ચાહમાનોને પોતાના તરફથી પણ જુદા પોશાક પહેરામણી દઈ વિદાય દીધી.

રાણો ખેડુ છે ખરોને મંત્રીએ મનમાં વિચાર કર્યો, “એને હજુ પાઠ ભણવા બાકી છે. અનુભવે ભણશે. રાહ જોવી રહી.”

ખંભાતથી આવીને મંત્રીએ ધોળકામાં વયજૂકાને એકાંતે તેડાવીને પૂછ્યું: “ભુવનપાલનાં સગાંવહાલાં, માબાપ ક્યાં છે તેની કાંઈ ખબર?”

વયજૂકાએ એક પત્ર પર લખી રાખેલાં નામઠામ ભાઈને દીધાં. મંત્રીએ રાજી થઈને કહ્યું: “એના ભરણપોષણની ગોઠવણ કરું છું, ને ભુવનપાલપ્રાસાદના વાસ્તુ વખતે એ સૌને તેડાવવાનો છું. તું તારા ચિત્તમાં ગ્લાનિ રાખીશ નહીં.”

વયજૂકાના હોઠ ફફડીને રહી ગયા. એણે પાલવ વડે આંખો લૂછી, એ અંદર ચાલી ગઈ. ભાઈ એની પાછળ ક્યાંય સુધી જોઈ રહ્યો.