પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સંઘ શોભે?
147
 

નહોતો.

અનોપે વધુમાં કહ્યું: “જેતલબા પણ પોતાની જૂની પ્રતિજ્ઞા વીસરીને બેઠાં લાગે છે. રાણાને પણ ખંભાતની કામધેનુ દૂઝતી થઈ એટલે હવે આરામ ને આમોદપ્રમોદ ભાવી ગયાં ભાસે છે. વામનસ્થલીવાળાં તો મોજથી ડણકી રહ્યા છે.”

“તમને કોણે – કોઈએ કહ્યું છે?”

"કહે તો ખરાને – જેને પ્રજા મે'ણાંટોણાં મારતી હોય તે.”

"કોણ, તેજલ કે? હં-હં” એટલું કહીને વસ્તુપાલ ઊઠ્યો. કહેતો ગયોઃ "ભલે, તો હું સંઘ બંધ રખાવું છું.”

અનુપમાએ પોતાને વખતસર એક મોટી મૂર્ખાઈમાંથી બચાવી લીધો છે એવી માન્યતા લઈને એણે સિદ્ધેશ્વર મહાદેવની વાટ લીધી. ત્યાં સોમેશ્વરદેવને મળવાનું હતું. રાણાને સુરાષ્ટ્રના પ્રશ્નની યાદ દેવરાવવાનું કામ સોમેશ્વર દ્વારા લીધા સિવાય છૂટકો નહોતો. કેમ કે એ તો જેતલબાના મહિયરને મારવા જેવો અતિ નાજુક પ્રશ્ન હતો.

મંત્રી મળવા આવ્યા ત્યારે સોમેશ્વર પાસે બે જણાં બેઠાં હતાં. સમય રાતના બીજા પ્રહરનો હોઈ અને બેઉની પીઠ વળેલી હોઈ મંત્રી આ બે જણાંને ઓળખી ન શક્યા.

“કાં, દેવ !” મંત્રીએ રમૂજ કરી, “શાનું કાવતરું ચાલે છે?”

“પધારો, લઘુભોજરાજ !" દાનેશ્વરી મંત્રીને માટે દેશપરદેશથી સ્તંભતીર્થ આવતા વિદ્વાનોએ આપેલું એ બિરુદ વાપરીને સોમેશ્વરે મિત્રને જરા શરમાવ્યો, “તમારા વિરુદ્ધનું કાવતરું સ્તો ! બે પ્રજાજનો આવીને રડારોળ કરી રહ્યાં છે કે મંત્રી બાંધવોએ એમના રાજાને વૈભવની મૂર્છામાં ઢાળી દીધેલ છે.”

સોમેશ્વરની પાસે બેઠેલાં આ બે જણાંમાં એક સ્ત્રી હતી. એના મુખ પર ઘૂમટો હતો. બીજો પુરુષ હતો, જે ઊઠીને મંત્રીને નમ્યો.

“ઓહો !” મંત્રીએ ઓળખ્યા, "દેવરાજ પટ્ટકિલ્લ જુગ વીત્યે જણાયા કંઈ?"

"દૂરથી દેખીને હૈયું ઠારતો હતો, બાપુ!”

“આજ કંઈ હૈયું બળ્યું તે દેખાયા?”

"હોય એ તો, બાપુ ! માવતરનો...” એ માવતરનો શબ્દ બોલતે બોલતે એકાએક એણે થોથરાઈને કહ્યું: “વસ્તીનો જીવ છેને!”

"તમને વળી શું દુ:ખ પડી ગયું ગામડે બેઠે બેઠે?”

“ના રે બાપુ, આ તો સુખ વધુ પડતું થઈ ગયું. એટલે સહેવાયું નહીં.”

"વસ્તી પણ છેને કંઈ ન ઊનું સહેવાય, ન ટાટું સહેવાય. કહો, શું રાવ