પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
26
વામનસ્થલીનાં વૈર

બીજા જ દિવસે તેજપાલને બોલાવી રાણા વીરધવલે વરધી આપીઃ “વામનસ્થલી ભાંગવા જવું છે. તમારે બેમાંથી એકેય ભાઈએ સાથે આવવાનું નથી. મને ફક્ત સેના આપો.”

બોલવામાં એના મનની છૂપી રીડ કળાઈ આવતી હતી.

"પણ ઉતાવળ શી છે?” તેજપાલે નમ્રતાથી પૂછ્યું. એને રાણા પ્રત્યે છૂપો બંધુભાવ હતો. રમાઈ રહેલી ખટપટની એને ખબર નહોતી.

“ઉતાવળ શી છે? તમે એ નહીં સમજો ભાઈ, તમારી વાણિયણોનું એ સુખ છે. અમારા લગ્નસંસારના ઘોંચપરોણા તમે નહીં સમજી શકો. લાંબી કાંઈ ચર્ચા નથી કરવી. સેના આપી દોને મને !”

તેજપાલે વધુ કશું બોલ્યા વગર મોટાભાઈને વાત કહી. તેજપાલને ખબર નહોતી કે રાણાના રુધિરને આ છૂપી આંચ લગાડનાર મોટાભાઈ જ છે. એને રાણા પ્રત્યે ઊંડી મમતા હતી. રાણા એકલાપંડે સોરઠધરામાં પ્રવેશ કરે એ વિચાર તેજપાલ સહી જ ન શક્યો. સીધો ને સરલ એ શૂરવીર, રાણાના આ અવિચારી સાહસનો કટ્ટર વિરોધ કરવા લાગ્યો.

વસ્તુપાલે કહ્યું: "જો ભાઈ, રાણા અને રાણકી બેઉને જતે દહાડે આપણી એકલાની સિદ્ધિઓ પ્રત્યે ઈર્ષ્હ્યા ને વહેમ જન્મશે. માટે એક વાર એને જવા દે.”

"ને મરવા દઉં, એમને?”

“ના, તારે એની રક્ષામાં જ રહેવાનું પણ કોઈ ન જાણે તેવી ગુપ્ત રીતે એને જીવ સાટે જાળવી લેવાના છે.”

“પણ શત્રુઓથી ખદબદતી સારીય સોરઠધરાને વીંધી એ વામનસ્થલીનાં ઝાડવાં જોવા પહોંચશે ખરા કે?”

"નયે પહોંચે. એ વાત સાચી છે. માટે જ આપણાં ભેજાંનો ખપ છેને ! હું એને આપણો વ્યૂહ સમજાવી લઉં છું.”

એમ કહીને એ વીરધવલ પાસે પહોંચ્યો, કહ્યું: “હું કંઈક વિનતિ કરવા માગું