પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૨૦૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
186
ગુજરાતનો જય
 

વસ્તુપાલને ખબર પડી. એણે લૂણસીને પૂછ્યું: “જા, પૂછી જો બાને, એ આંહીં આવે છે કે અમે જ ત્યાં આવીએ?"

લૂણસી સાથે અનુપમા તરતમાં જ આવી પહોંચી. એના મોં પરથી સ્મિત તો કદી સુકાતું જ નહોતું. અંદરથી ક્ષુબ્ધ છતાં તળિયા સુધી ટાઢી એ રહી શકી હતી.

“કાં ?” વસ્તુપાલે સહેજ હળવા કટાક્ષે પૂછ્યું, “શો વાંધો પડ્યો? લઈ લેવા દો ને ! નહીં લ્યો તો પછી કોઈ પાઘડી નથી બંધાવવાનો!”

“આપનું ધ્યાન પહોંચે તેમ કરો, પણ હું તો એટલું જ માગું છું કે લૂણસીના ઘરમાં એ લક્ષ્મી ન પેસાડવી.”

"કારણ?”

"લૂણસી એના પુરુષાર્થનું ને એની નીતિનું રળેલું જ ભોગવે.”

“તો આ શું તેજલ અન્યાયથી ને અણહકનું ઉપાડી આવ્યો છે?” વસ્તુપાલ લગાર તપ્યો.

“એ હકનું લાવ્યા હશે, પણ એ દ્રવ્યના સ્વામી રાણાજીયે નથી ને ઘુઘૂલ પણ નહોતો. એ તો લાખોને લૂંટીને સંગ્રહેલ લક્ષ્મી !”

"પણ આપણે તો એને છોડાવી લાવ્યા.”

“નહીં, ઘુઘૂલ જીભ કરડીને મૂઓ છે. તેનું દ્રવ્ય આપણાં બાળકોને ન દેશો.”

“રાણા રાજીખુશીથી, સૌની સાક્ષીએ આપે તોપણ ન લેવું?”

“ના, કારણ કે મને તે દિવસનું ઘટ-સર્પ યાદ આવે છે.”

“પણ તેમાં તો આપણે નિર્દોષ પુરવાર નહોતા થઈ ગયા?”

“એ તો વૃદ્ધોનાં પુણ્ય, ને થોડીક આપણી યુક્તિ!" અનુપમાએ મંદ હાસ્ય વેર્યું.

"યુક્તિ!!!” તેજપાલ સહેજ ગરમ થઈ ગયો.

“તેજમતૂરીને ધૂળ કહી તે યુક્તિ નહીં તો બીજું શું?”

સાંભળીને તેજપાલ ટાઢો પડ્યો.

ઘટ-સર્પવાળો પ્રસંગ ઘણો ભયંકર બની ગયો હતો. સ્તંભતીર્થના આરબ નોડા સદીકને લૂંટી લઈ તેના શરીરને મલ્લો પાસે ચંપી કરાવી હાડકેહાડકાં ભંગાવી મરાવી નાખ્યો, તે પછી તેના સગાએ આવીને રાણા આગળ ધાપોકાર પાડ્યો કે મંત્રી અમારી નેકીથી રળેલી કમાઈ પણ ઓળવી ગયા છે, માટે ન્યાય કરો. રાણાએ વસ્તુપાલને નિર્દોષ સાબિત થઈ જવાની, રસમ મુજબની, ભયાનક કસોટી પર ચડાવ્યા હતા. ઘટ-સર્પઃ માટીના ઘડામાં કાળો વિષધર નાગ મુકાવીને એને હાથ