પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૨૦૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કકળાટનું દ્રવ્ય
187
 

વડે બહાર ખેંચવાની એ કસોટી હતી. હજારો લોકોની વચ્ચે વસ્તુપાલે એ સાપને ઘડામાંથી ઉઠાવીને બહાર ફેંક્યો હતો. ફેંકાયેલો કાળો નાગ સદીકના જ કુટુંબીની બેઠક પર જઈ પડ્યો હતો, અને એ નાગે એને ટકાવીને ત્યાં ને ત્યાં પૂરો કર્યો હતો.

પણ અનુપમા જાણતી હતી કે જેઠજીના તે વખતના શબ્દો યુક્તિભર્યા હતા. એણે સર્પ ઉપાડતી વેળા સંભળાવ્યું હતું કે, જો મેં સદીકના ઘરની કુલઝપટ સંપત્તિની ટીપ કરીને રાજભંડારે જમા કરાવી દીધી હોય, અને એના ઘરની ધૂળ સિવાય અન્ય કશું પણ લીધું હોય તો સાપ મને કરડજો, નહીંતર આરોપ મૂકનારને!'

એ 'ધૂળ' તો હતી ખરી – પણ તેજમતૂરીની ધૂળઃ સોનાની માટી ! એ માટીનું જ કોટાનકોટિ દ્રવ્ય આજે તેમના ઘરમાં હતું.

અનુપમાની સામે મંત્રીનો કશો બચાવ નહોતો રહ્યો.

પણ તેટલામાં તો રાજગઢમાંથી ઉપરાઉપરી અનુચરો આવતા હતા. રાણાએ મોકલેલ લક્ષ્મીનાં શકટો અણઅટક્યાં મંત્રી-દ્વારે ઊભાં થઈ રહ્યાં, એ તો નગરમાં અદ્ભુત અને ન મનાય તેવો બનાવ હતો. નગરજનો કંઈ કંઈ વાતો કરી રહ્યા હતા. કોઈએ કહ્યું કે સેનાપતિ પરબારા હજમ કરી જવા માગતા હતા તેની રાજને ખબર પડતાં પકડાઈ ગયું છે. કોઈ કહે કે પૂરતો ભાગ નથી મળ્યો માટે મંત્રીબંધુઓ કચવાયા છે. હજુ તો પ્રભાતને જ પહોરે સન્માનેલા ને મોતીએ વધાવેલા પોતાના નગર-વીરને વિશે આવી આશંકાઓ ઊભી કરવી એ જાહેર પ્રજાને માટે સ્વાભાવિક વસ્તુ હતી.

આખરે રાજદુર્ગમાંથી સંદેશો લઈને પાલખીએ ચડી સોમેશ્વરગુરુ મંત્રીગૃહે આવી ઊભા થયા. તેમણે આખી વાત જાણીને અનુપમા પ્રત્યે હૃદયની ભક્તિ અનુભવી. પણ રાણક-કુળ અને મંત્રી-કુળ વચ્ચે સદાય સાચી સમજણ કરાવતા, ગેરસમજની શક્યતાને દૂર રાખતા, બે મોતીમાં પરોવાયેલા હીરના દોરા સમા સોમેશ્વરગુરુએ તોડ કાઢવા યત્ન કર્યો.

"દેવી ! આજના વિજય-દિનને સાચવી લેવો રહ્યો.”

“વિજય-દિન તો ખરો,” અનુપમા દુઃખ અનુભવતી બોલી, “પણ બંદીવાને જીભ કરડી છે. નગરજનોમાં એનો આનંદ પ્રવર્તે એ કેવી વાત ! કેવો સંસ્કાર! એની સંપત્તિ, સદીકની સંપત્તિ, વામનસ્થલીની સંપત્તિ, નાનામોટા સૌરાષ્ટ્રી ઠાકોરોની ને પટ્ટકિલોની છીનવેલી સંપત્તિ, એ બધીમાંથી અમારા ઘરમાં ભાગ આવ્યો છે – ભલેને રાણાજીના વિજયદાન લેખે, પણ એ કકળાટનું દ્રવ્ય છે. કાં કોઈક દિવસ રાજની દાનત બગડશે ને કાં પ્રજા એવી લૂંટને સંસ્કાર સમજતી થઈ જશે. વધુ