પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૨૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
238
ગુજરાતનો જય
 

સનાતન અંધારા ઉલેચાતાં હતાં, સૂર્યનાં કિરણો કેટલાંય વર્ષો બાદ એ ઢંકાયેલી પૃથ્વી પર પહેલી વાર આળોટતાં હતાં. તસ્કરો, નિશાચરોનાં લૂંટણસ્થાનો નાશ પામતાં જતાં હતાં. એક વારના ધોરી માર્ગો પોતાના પર ફરી વળેલાં આ ઝાડીઝાંખરાંનાં ખાંપણોમાંથી મોકળા બનીને, લૂંટાયેલાં ને હણાયેલાં કંઈક મુસાફરોની તરફડતી લાશોથી ગંધાતાં મટી જઈને, મોટો જુગ વીત્યે જાણે પહેલી જ વાર સોહામણાં માનવીના મહામેળાની અભય યાત્રાના સાક્ષી બનતા હતા.

મહામેળો ચાલ્યો જતો હતો – શત્રુંજયની વાટે વાટે, શકટો ગાડાંઓની 'હારોહાર, સુખાસનોની લારકતાર, વ્રતીઓની ને સૂરિઓની જમાતો, કવિઓના અખાડા અને નાટારંભો કરતી નટેશ્વરીનાં વૃંદો.

બળદોની ઘૂઘરમાળ વાગતી હતી. યાત્રિકોનાં ગાડાં સ્તવને સજ્જાયે ગુંજતાં હતાં. ભયાનક સૌરાષ્ટ્ર સોહામણો બન્યો હતો. ધોળકાના મહામાત્ય વસ્તુપાલે કાઢેલી આ સમસ્ત ગુર્જરભૂમિની પ્રથમ પહેલી દેવયાત્રા એ વસ્તુતઃ તો વિજ્યયાત્રા હતી. કેટલાં વર્ષો પહેલી વાર સામટાં સેંકડો નરનારીઓ ચોરહત્યારાના ભય વગર સોનારૂપાં પહેરી ને શણગારો સજી દેવનાં દર્શને વિચરતાં હતાં ! ગઈ કાલ સુધી તીર્થાટન મોતના મોંમાં પગ મૂકવા સમાન હતું. આજે તીર્થાટન ગૌરવરૂપ બન્યું છે. દાટેલા દાગીના બહાર કાઢીને નરનાર આવે છે. તેમને રક્ષનારા સાંઢણીસવારો, ઘોડેસવારો ને પેદલોની મોટી ફોજ તેમની સંગાથે ચાલે છે. દડમજલ તેમના પડાવો થાય છે ત્યાં આગલા દિન લગીના લૂંટણહારો ને ગળાકાટુ ઠાકોર-ઠાકરડા મસ્તક ઝુકાવીને ચોકિયાતો બની જાય છે. કરડો કાળઝાળ વાણિયો વસ્તુપાલ એ સંઘનો સંઘપતિ છે.

નથી એ નરી દેવયાત્રા, નથી એ નરી વિજયયાત્રા, એ તો છે લોકયાત્રા. એની તો પગલે પગલે પડતી આવે છે સામાજિક અસરો. ઘરેઘરમાં માટીના પોપડા હેઠળ થીજી ગયેલી માયા કોઈ ઋતુપલટો થતાં ઓગળી હતી. જાણે દ્રવ્યની નીકો બંધાઈ હતી ને તેનો મહાપ્રવાહ સોરઠને ગામડે નગરે ફોળાતો, ફેલાતો, રેલાતો, ચાલ્યો હતો. વાવરનારા ઊલટથી વાવરતા હતા – વહાલા દેવને નામે, અને એ વાવર્યું સર્વ વહેંચાઈ રહ્યું હતું દીનો, મધ્યમો ને શ્રીમંતોના લોકસમૂહમાં સરખે હિસાબે.

સંઘપતિ જેનો વસ્તુપાલ હતો, તે સંઘની અધિષ્ઠાત્રી હતી દાનમૂર્તિ અનુપમાદેવી. લલિતા અને સોખુ જેઠાણીઓ હોવા છતાં અનુપમાનું એ સ્થાન ત્યજાવવા તૈયાર નહોતી. સોખુને તો પહેલવહેલું આ પરદેશ-દર્શન, પ્રકૃતિ-દર્શન અને પરમેશ-દર્શન સાંપડ્યું હતું. એ તો પંથે પગપાળા ચાલતાં થાકતી નહોતી.