પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૨૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
242
ગુજરાતનો જય
 


એણે પાછળ ન જોવાનો નિશ્ચય રાખ્યો હતો. એ નિશ્ચયને એણે છેક નાભેયમંદિર સુધી ટકાવી રાખ્યો. આદિનાથનું દેવાલય દીપેધૂપે ને કર્પરકેસરે, પુષ્પચંદને ને કસ્તુરીની ગંધે મહેકી ઊઠ્યું. જ્યોતિર્માળા ગિરિલક્ષ્મીના સ્મિતમાંથી ચળકતી દંતાવલિ સમી પ્રકાશી ઊઠી. સૂરિઓ, કવીશ્વરો, શ્રાવકો ને શ્રાવિકાઓની હારબંધ મેદનીમાં કદાવર મંત્રીકાયા, શ્વેત વસ્ત્ર, પુષ્પમાળાએ ને ચંદનતિલકે શોભતી પ્રવેશ કરે છે. એની પાછળ નારી-પરિવાર છે. દ્વાર પાસે જ ઊભો છે શિલ્પી શોભનદેવ. એને અનુપમાએ એક જ પલકારે ઓળખ્યો. પોતાનાથી નાનો છતાં કોઈ વડીલ હોય એમ એણે ઓઢણાનો પાલવ સંકોડી અદબ કરી.

"આ....” એમ કરીને શોભનદેવે અંદર જતા મંત્રીનું ધ્યાન દ્વાર પાસે ઊભેલા એક પાષાણ-મૂર્તિ તરફ ખેંચ્યું.

મંત્રી થંભ્યો. એણે પૂરા માપની સ્ત્રી-પ્રતિમા નિહાળી. એણે ચકિત લોચને શોભનદેવ તરફ જોયું. શોભનદેવે કહ્યું: “આ બા...”

શોભનદેવ શિલ્પીનું મોં એ બોલતાં નાના બાળકની આનંદલાલી ધારણ કરી રહ્યું.