પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૨૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
272
ગુજરાતનો જય
 

ગુર્જર દેશ અને માલવ દેશના ત્રિભેટા પર વિતાવી નાખો. તે દરમ્યાન કોણ કોનું છે તે બધું પરખાઈ આવશે.”

“સંગ્રામસિંહ તો અધીરા થઈ રહ્યા છેને ?”

"થાય તો ખરા જ ને, અન્નદાતા”

"કેમ ?"

“આપે એના સગા બાપને ઠાર માર્યો છે એટલે ! ને મહારાજ, આ લાટ તો નથી ગુર્જર દેશમાં કે નથી દક્ષિણ ભૂખંડમાં. એનો કાંઈ મેળ જ નથી. એને એનું પોતાપણું નથી. જૂનું વૈર એ વીસરી જાય એટલું બધું ધારી બેસવાનું ભોળપણ દક્ષિણના વિચક્ષણ મહીપાલને માટે હવે શું ઉચિત છે ?”

દેવગિરિરાજના પગ હીંડોળાને ધીમે ધીમે ઠેલા દેતા હતા. હીંડોળો તો એના પડાવની સાથે જ હાલતો હતો. દક્ષિણના ભૂપાલોના ભોળપણનો ઉલ્લેખ એના હૈયામાં સુંવાળો ખૂણો પામી ગયો અને એના કાને હીંડળતી બે મોતીજડિત સુવર્ણકડીઓ જાણે એ દક્ષિણવાસી ભોળા વીરત્વનાં વારણાં લઈ રહી.

સંગ્રામસિંહ વિશેના આટલા વહેમબિંદુએ સિંઘણદેવના હૃદયમાં થોડોક ભય મૂક્યો. રેવાની તીરભૂમિ લાટ ઉપર એણે ચાર ચાર વાર ચડાઈઓ કરી હતી ને એમાંની એક ચડાઈમાં એણે સંગ્રામસિંહના બાપ સિંધુરાજનો શિરચ્છેદ કર્યો હતો. એનો જ પુત્ર પોતાને ગુર્જર દેશ પર નોતરીને કાંઈ દગલબાજી ખેલવાનો હોય તો નવાઈ ન કહેવાય. યાદવરાજના કાનની કનક-કડીઓ વિચાર-લહેરોમાં ઝૂલતી હતી. કેટલી વાર પોતે ગુજરાત પર મીટ માંડી ! દરેક વાર પડોશી લાટ જ વચ્ચે ઊભીને ઘા ઝીલતું હતું. લાટનો મંડલેશ્વર માંડ માંડ આટલાં વર્ષે પાટણના દંડનાયકનું આધિપત્ય ફગાવી દઈ સ્વાધીન બન્યો હતો, ને એ પોતાની સ્વતંત્રતાના રક્ષણની શરતે યાદવશત્રુને ગુજરાતના ઘરનું દ્વાર ઉઘાડી દેતો હતો. એનામાં કપટ હશે તો ?

વધુ વિલંબ કર્યા વગર એણે સૈન્યનો પડાવ પંદર દિવસ માટે માંડી વાળવાની આજ્ઞા છોડી. અને એણે પોતાના અંતરંગ ગુપ્તચરનો સંદેશો લાવનાર આ યુવાનનું ડહાપણ વધુ તાવવા માટે વાર્તાલાપ ચાલુ રાખ્યો. મહારાજ ભીમદેવના ઉત્તરકાળમાં પ્રવર્તેલી અરાજકતા અને અંધાધૂધીમાંથી પુનરુત્થાનનાં પગલાં માંડી રહેલા ગુર્જર દેશની નવી પિછાન મેળવતા પ્રશ્નો એણે પૂછવા માંડ્યા.

એણે વણિકભાઈઓ વસ્તુપાલ-તેજપાલની માહિતી મેળવી, અને એ બન્નેની પાછળ સુબુદ્ધિમાન શક્તિ બનીને ઊભેલી ચંદ્રાવતીની વાણિયણ અનુપમાનાં રૂપગુણ પૂછ પૂછ કર્યા. વામનસ્થલીના યુદ્ધમાં અણમૂલ આત્મસમર્પણ કરનારી રાજરાણી જેતલદેવીનો એણે ઇતિહાસ જાણ્યો અને દેવગિરિના યાદવ-કુળમાં એવી કોઈ નારીનો