પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૨૯૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
278
ગુજરાતનો જય
 

ધોળકામાં રહીશ, પોતે ખંભાત ન આવે ત્યાં સુધી મને પણ શાની રેઢી મૂકે ? ખરા જાપતાદાર છે હાં કે ? પણ સ્ત્રીઓ તે કદી કેદ કર્યે રહેતી હશે ? રહે તો આપથી ને જાય તો સગા...”

સૈન્યના નાયકનો તાજી વિધવા બનેલી પુત્રીનો શોક તો આ વાતો સાંભળી ક્યારનો અદ્રશ્ય બન્યો હતો. તેને બદલે હવે તો આ બાઈના શબ્દોએ, મુખના તાંબૂલની મીઠી સુગંધે અને ખાસ કરીને તો પોતાના આદર્શમૂર્તિ મંત્રી વસ્તુપાલના માયલા રંગોની મળેલી ઓળખાણે આ સેના-નાયકના માનવીપણાની કાચી માટીને પલાળી નાખી. બાઈ સાથેની એક બીજી સ્ત્રી હતી તેણે અન્ય સૈનિકોને કેફ કરાવી લોટપોટ કર્યા. પછી બધા પ્રહરીઓને સુરાનું ઘારણ વળતાં શેઠાણીએ પોતાના સ્ત્રીસ્વાંગ સંતાડી સાથે બાંધ્યા, સૈન્યનાયકનાં હથિયાર અને વસ્ત્રો ધારણ કરી લીધાં. ગઈ આબુવાળા સાંઢણી-સવાર પાસે, એને જગાડ્યો અને પૂછયું: “ક્ષત્રિય છો ને ?”

“હા.” યુવાને અર્ધઊંઘમાં હા પાડી.

"તમારી સાંઢણી માથે ઝટ જગ્યા આપવી પડશે, ને હંકારવી પડશે.”

“કેમ?”

"અમારી સાથેનાં શેઠાણીને લઈને એક ટોળી નાસી છૂટી છે.”

"કોની ટોળી ?”

“અમને લાગે છે કે કુંવર વીરમદેવની પટણી ટોળી. પણ વધુ વાતો કરવાની વેળા નથી. અમારા જણ બધા ધિંગાણામાં કામ આવી ગયા છે.”

“ક્યાં ધિંગાણું થયું ?”

“પાછલે ગામડે.”

“બાઈ કોણ હતાં ?”

"મંત્રીજીનાં કુટુંબી હતાં. વિધવા થયાં એટલે ઘેર જતાં તાં"

"શી ખાતરી કે વીરમદેવની ટોળી આવેલી"

“અરે ભાઈ, એ ખાતરી હું સવારે જ કરી બતાવીશ. અટાણે વાતોની વેળા છે ? ઊઠો, ઊંટ પર સામાન માંડો, ક્ષત્રિય છોને ? અબળાની વહાર બીજુ કોણ કરશે ? મને ધોળકે પહોંચતો કરો.”

આબુનો યુવાન તારાને અજવાળે આ સુંદર ને બોલકણું મોં દેખી અર્ધસ્વપ્ન અને અર્ધજાગૃતિના સીમાડા ઉપર ઝૂલી રહ્યો. અંતરમાં આસમાની પ્રગટી, પોતાની સાહસશૂરતાને અને પોતાના હૈયામાં સુપ્ત પડેલા અદ્ભૂતને કોઈક જગાડતું લાગ્યું, કૌતુકપ્રેમ એના મનને રંગી રહ્યો.