પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૩૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
286
ગુજરાતનો જય
 

નથી. એના ભેજામાં નવા સંસ્કારી વિચારો પેસાડવા સહેલ નથી.”

“તો શું કરવું છે હવે ?”

“એ જ કરવું છે – યવનોની ચડાઈનો જ ડર બતાવી કામ લેવું છે. પણ તે તો ગુર્જર સમશેરોને એના માથા પર તોળીને જ કરી શકાય. હું એટલા માટે જ દિવસો વિતાવું છું.”

"શાની વાટ છે?”

"તેજપાલ મંત્રી ખંભાતના નૌકાસૈન્યને આખી સાગરપાળ પર જમા કરે છે, ને લાટ ફરતી પાળા સૈન્યની રાંગ ઊભી કરે છે. વૈશાખ સુદ બીજ સુધીમાં જ એક રાતે આ યાદવ ફોજને દબાવી દેવી જોઈએ. દરમ્યાન તારી જટામાંથી નીકળેલ ચિટ્ટીને જોરે હું માલવ-ગુર્જરસીમાડે યાદવી સેનાના એક મોટા ભાગને તગડવાનો પેચ રચું છું. ને તારે આંહીંથી સુદ એકમની રાતે નાસી છૂટવાનું છે. તારી હિલચાલ પર બહુ કાબૂ રહેશે નહીં. નાસજે માળવાને માર્ગે, પણ તાપીનાં પાણીમાં જ ગાયબ બની પાર થજે. કોઈપણ જુદો વેશ ધરી લેજે.”

તે પછી પાંચેક દિવસે જ્યારે ખબર પડી કે માળવાનો જાસૂસ નાસી ગયો છે ત્યારે સુવેગે યાદવ સૈન્યને વહેંચી નાખવાની તક મેળવી.

એ જાસૂસ લાટની સરહદ પર છુપાયેલા માલવસૈન્ય પાસે પહોંચી આંહીં આક્રમણ લઈ આવે તે પહેલાં જ એનો માર્ગ રૂંધી નાખવો જોઈએ, એવું સિઘણદેવને સમજાવીને સુવેગે સૈન્યનો મોટો ભાગ માલવાને રસ્તે રવાના કરી દીધો.

ગુર્જર સૈન્યનો તો કશો ડર જ સુવેગે સિંઘણદેવના દિલમાં રહેવા દીધો ન હતો, કારણ કે ગુર્જર મંત્રી જાત્રાસંઘ પાછળ ઘેલો બની પોતાની મૂર્તિઓ બેસડાવે છે અને સૈનિકોને તો યવનસેનાની સામે જ જમા કરવા મોકલ્યે જાય છે. એ જ વિચાર-ભૂત એણે સિંઘણદેવના મગજમાં બરાબર ભરાવ્યું હતું.