પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


3
વિધવા રત્નકુક્ષી

આગળ દોડ્યે જતી સાંઢણી ઉપર લવણપ્રસાદ પોતાના સાથીને પૂછતો હતો: “આ છોકરાને ઓળખ્યા, જેહુલ? મંડલિકપુરને પાદર એની મા ઊભાં'તાં, તેને જોયાં ને?”

“હા, બાપુ.” પિસ્તાળીસેક વર્ષના જેહુલે કહ્યું.

“ઓળખ્યાં ને? આસરાજ મંત્રીનાં એ વિધવા.”

“હું તો ઓળખું જ ને, બાપુ ! તે સમે હું માલાસણમાં એ બાઈના બાપુને ઘેર સાંઢ્ય હાંકતો, આભૂશેઠને ઘેર. આ બાઈનાં મા લાછલબાઈ બહુ ડાહ્યું માણસ હતાં, બાપુ ! દીકરીનું દુઃખ વરતવું દોહ્યલું છે, અને તેમાંય આ દીકરી કુંઅરબાઈની તો વાત જ ન્યારી હતી, બાપુ!”

"ત્યારે તો તું બધું જ જાણતો લાગે છે?”

"જાણું છું એમ નહીં, બાપુ ! નજરોનજરનો સાક્ષી છું. મેં મારાથી બનતી મદદ કરી હતી.”

"કોને? શેની મદદ?”

"નાસી જવાની મદદ, બાપુ ! આસરાજ મંત્રીને અને આ કુંઅરબાઈને હું લઈ ગયેલો."

"તે શું આસરાજ મંત્રીએ કુંઅરબાઈને તારી જ સાંઢ્ય માથે નસાડેલી?”

"હા જી, ઊંઘતીને સાંઢ્ય માથે લઈ સુવાડેલી." આધેડ જેહુલ જ વાત કહેતો કહેતો યુવાનીનો રોમાંચ અનુભવી રહ્યો.

"પૂરી વાત તો કહે, જેહુલ, શું બન્યું તું?”

"બનેલું એમ કે પાટણમાંથી કરોડું કમાઈને પછી કુંઅરબાઈના બાપુ આભૂશેઠ માલાસણમાં જ રહેતા હતા. એવડી મોટી હવેલી, દોમદોમ સાયબી, પણ છોરુમાં એકની એક આ દીકરી. એકની એક પણ મારે વા'લેજીએ નવરો હશે તે દા'ડે સમે હાથે ઘડીને દીધેલી: એવી ગોરી, એવી નમણી, અને એવી ગરવી ! એકે હજારાં. હવેલી તો એ એકે જ અભરે ભરી લાગે. માવતરે પણ હીરામોતીએ મઢી'તી. પણ હીરામોતી એને શું શોભાવશે? એ જ હીરામોતીને શોભાવતી'તી. એમાં કુંઅરબાઈને