પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
16
ગુજરાતનો જય
 


“ના” લવણપ્રસાદે કહ્યું, “પટાબાજી ને શમશેરવિદ્યા તમને અમારા જેવા વાયલ બનાવશે. એમાંથી હવેલીઓની ડેલીએ દીવા નહીં પેટાવાય.” અહીં લવણપ્રસાદ લખપતિ શ્રેષ્ઠીઓના ઘેર પ્રત્યેક લાખે અક્કેક દીવો બાળવાની રસમને નિર્દેશતો હતો: “બાકી હા, વ્યાકરણમાં પાવરધા બનશો તો તમને પરમારોની અવંતિમાં રાજકૃપા મળશે.”

“નથી જોઈતી.” વસ્તિગ સહેજ ચિડાયો.

“કાં ?” લવણપ્રસાદની આંખ ફાંગી થઈ: “ત્યાં પાટણનાં રાજા-પ્રજાને ગધેડાં બનાવતાં નાટકો રચી દેશો તો પુરસ્કારના ઢગલા મળશે.”

“એવું અમને ના કહો.” વસ્તિગ તપ્યો.

“અને દેવગિરિનો દખણો જાદવ સિંઘણ તો તમને રાજકવિનો મોડ બંધાવશે – જો ગુજરાતને તમે સંસ્કૃત છંદોમાં ગાળો દઈ જાણશો તો.”

“અમારે નથી સાંભળવી એ વાતો.”

છોકરા સાંઢણીની સાથે ચાલતા બંધ થયા.

"જેહુલ, જરા ધીરી પાડજે સાંઢ્યને.” એમ કરીને લવણપ્રસાદે પાછા ફરી ઊંચે અવાજે છોકરાઓને સંભળાવ્યું: “તમે તો શ્રાવક છો ને ! હાંઉં ત્યારે, મોટા થઈને જતિઓને સાધી ગુજરાતનો જે રાજા હોય તેને શ્રાવકડો બનાવી વાળજો ને ! એટલે પછી લે'રમલે’રાં.”

આ છેલ્લાં કુવચનોએ ત્રણેય છોકરાઓને પગથી માથા સુધી સળગાવી નાખ્યા. વસ્તિગના મોં પર રતાશની શેડ્યો ઉછાળતું રુધિર ધસી આવ્યું, તેજિગે તો ભોંય પરથી પથ્થર ઉપાડ્યો અને દૂબળો લુણિગ ઘોડા ઉપર પથ્થરવત્ બની ગયો.

વસ્તિગે તેજિગનો પથ્થરવાળો હાથ ખચકાવીને ઝાલી લીધો. તેજિગે વસ્તિગના મોં પર નજર કરી. વસ્તિગની આંખોમાંથી ડળક ડળક આંસુનાં મોટાં ફોરાં દડતાં દડતાં ગાલ પર થઈને નીચે પડતાં હતાં.