પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૩૨૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
312
ગુજરાતનો જય
 

વધુ ડાહ્યું કે વધુ વિચારશીલ નહીં કરી શકીએ.”

તે વખતે ઘરને પાછલે દરવાજેથી સિદ્ધેશ્વરમાં અનુપમા આવી અને સાથે એક દરિદ્ર બ્રાહ્મણને લાવી, કહ્યું: “આ મહારાજ એક પ્રશસ્તિ રચીને લાવ્યા છે.”

“આપણી વિદ્યાસભામાં જ આવજોને, મહારાજ!” વસ્તુપાલે કહ્યું.

"ત્યાં તો આવ્યો હતો, અને આપના માણસોએ મને આ ઇનામ આપીને બહારથી જ પાછો વળાવ્યો.” એમ બોલી એણે પોતાના શરીર પરની ફાટેલી પિછોડી બતાવી, “હું આપને એ દાન બદલનું જ આશીર્વચન કહેવા આવ્યો છું. એમ કહીને બ્રાહ્મણે શ્લોક લલકાર્યો:

क्वचित्तूलं क्वचित्सूत्रं कापसास्थि क्वचित्क्वचित् ।
देव त्वदरिनारीणां कूटीतुल्या पटी मम ॥

[ક્યાંક રૂ, ક્યાંક સૂતર અને ક્યાંક ક્યાંક કપાસિયા લાગેલી આ પટી – આ પિછોડી, જે મને તારા માણસે દાનમાં દીધેલ છે, તે મને તો તારા શત્રુઓની સ્ત્રીઓની છિન્નભિન્ન બનેલી રાવટી સમી લાગે છે.]

“વાહ રે વિપ્રદેવ, વાહ ! કેટલી ચમત્કૃતિ મૂકી છે એક જ કલ્પનામાં!” સોમેશ્વરદેવે વખાણ કર્યાં.

“અનુપમા” વસ્તુપાલે હર્ષ અનુભવીને કહ્યું, “એને દોઢ હજાર દ્રમ્મ દેવાનું કહો લૂણસીને !”

"જેવી આજ્ઞા.” કહીને અનુપમા કંઈક વ્યગ્ર ચહેરે ઊભાં.

"તમને આ કાવ્યનો મર્મ તો સમજાયોને, અનુપમા” મંત્રીએ પૂછ્યું.

"જી હા ! આપે આપેલી ખરાબ પટી (પિછોડી)ને નિંદવામાં જ એ આપનું ગૌરવ આલેખે છે. આપના શત્રુની સ્ત્રીઓની દુર્દશાનો એમાં ચિતાર છે.”

"આની પાસે ઉજ્જૈન અવન્તી તે પાણી જ ભરે ના!” સોમેશ્વરદેવ વધુ વધુ પ્રસન્ન થતા હતા.

“રહો, દેવ ! અનુપમા કંઈક બીજું જ કહેવા ઇચ્છતી હોય તેવું મને લાગે છે. કહો અનુપમાં, શું લાગે છે?”

"લાગે છે – વિદ્યાનું દુષ્ટ વિનોદમાં પતન !”

એમ કહીને એ પોતાની પાછળ બેઉ કવિ-પંડિતોને વિમાસતા છોડી ઝડપથી વહી ગઈ.

“એને કેમ ન ગમ્યું?” સોમેશ્વરને નવાઈ લાગી.

“શત્રુની સ્ત્રીની અવદશાનો ચિતાર એને જંગલી લાગ્યો. કાવ્યવિનોદની આવી કરામતો એને ફાવતી નથી. એનું દિલ ધસી રહ્યું છે ચંદ્રાવતી તરફ. લાંબી