પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૩૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
316
ગુજરાતનો જય
 

છે ના!”

“એવું કંઈ નથી, બા!”

“ન શું હોય?” ભોળી જેતલરાણી પોતાને ને રાણાને મંત્રીઓનાં જ સદાનાં ઓશિંગણ માનતી હતી તેથી આ ઉત્પાત એને છોડતો જ નહોતો; “કોળિયામાં તો કાંકરો જેને આવતો હોય તેને જ ખબર પડે કે કચરડાટી કેવીક બોલે છે. એ નપાવટને પાટણ મોકલ્યો તો પાટણમાં કારસ્તાન માંડ્યાં. મુલક બધો તમારા સંઘની ચરણરજ લેવામાં પુણ્ય માનતો'તો ત્યારે એ કાળમુખાએ એક જાત્રાળુ બાઈને ઉઠાવી ગેબ કરી!”

અનુપમાએ પણ આ વાત સાંભળી હતી. ચોમેર બસ એ જ વાત પ્રસરી ગઈ હતી.

"અમે બેઉએ તો એનું સ્નાન પણ કરી નાખ્યું છે એમ કહેજે, જો મળે તો.” રજપૂતાણીનો એ પુણ્યપ્રકોપ બોલતો હતો તેની પાછળ માતૃહૃદયના છૂપા તાર ઝણઝણતા હતા, ‘હા હા, મળજે ને સાફ કહેજે!' એ શબ્દો વારંવાર બોલાતા હતા, કેમ કે, જનેતા એટલું તો ઈચ્છતી હતી કે અનુપમા જો દીકરાને નજરે નિહાળે તો પત્રમાં કાંઈક ખરખબર તો લખી જણાવશે.

“મારા બાપુને મળી લઉં?”

"હા, ચાલો. પણ ખબરદાર હો, એ કાળમુખાનું નામેય ત્યાં ઉચ્ચારશો નહીં. એ નહીં રહી શકે. અને વહેમાશે કે મેં જ તને ઇશારો કર્યો હશે.”

પાલવ પાથરી પ્રણામ કરતી અનુપમાને રાણા વીરધવલે આશિષ આપીને કહ્યું: “હવે તો અમે પણ ચંદ્રાવતી આવી પહોંચવાનાં.”

“ભલે, બાપુ ! ને ચંદ્રાવતી આપને માટે વિજયમાળા ગૂંથી જ રાખશે.”

“એ તો માતાજીની મરજી.”

“અંબામાની મરજી મોળી નથી, બાપુ ! આપ ચિંતા કરશો નહીં.”

“ચિંતા તો મને કોણ કરવા જ આપે છે ! હું તો નવરાશથી જ થાકી જાઉં છું. એક કોર બાપુ ને બીજી કોર આ બે તમારા, ત્રણેએ મળીને મને તો બગાડી જ મૂક્યો છે. આમ જો ચાલશે તો તો આયુષ્ય પૂરું થતાં વાર શી લાગશે?”

રાણા વીરધવલ આ રીતે પોતાના જીવનમાં જહેમતોને અને સંકટોને પૂરું સ્થાન ન મળતું હોવાનો સંતાપ પામી રહ્યા હતા.

"પવન છે તો પાંદડાં હલે છે, બાપુ” અનુપમાએ કહ્યું, “કરવૈયા થવા કરતાં પ્રેરક થવાની જ બલિહારી છે.”

"પ્રેરક એક વિશ્વંભર અને બીજી આ ધરણી.” એમ બોલીને રાણા ચૂપ બન્યા.