પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૩૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
320
ગુજરાતનો જય
 

પડી, કે એ નિરાધાર કન્યા નિરાધાર પણ નહોતી કે કન્યા પણ નહોતી. એને તો દિલ્હીપતિ મોજુદ્દીન જેવો મોટો આધાર હતો અને એ તો ગુણિકા હતી. એણે સોમ પાસેથી આબુગઢના શસ્ત્રભંડારો અને ચોકીઓ થાણાંઓ જાણી લીધાં હતાં. કેમ કે અસૂરે ટાણે સોમ એને ઘોડે ચડાવી પહાડો પર ફરવા લઈ જતો હતો. એક દિવસ એ ભાગવાની તૈયારી કરતી પકડાઈ, એની પાસેથી આપણા નકશા પકડાયા. સોમની આંખો ફાટી ગઈ. એને સોમે ચોટલે ઝાલી ત્યારે એણે સોમનું બીજું અપમાન કર્યું. ગુજરાતને દગો દઈને પરમારો જો તુરક-ફોજને આંહીં પ્રવેશવા આપે તો પોતે પરમારોને ગુર્જરપતિ બનાવી શકે તેવી સ્થિતિની ખાતરી કરાવી. એ બાબતે સોમના મોતિયા સાવ મારી નાખ્યા. આખા આબુને ફેંકી દઈ ઉરાડી મૂકે તેવી જાણે કે ભયંકર સુરંગની આ સળગતી જામગરીની અમને છેલ્લી ઘડીએ ભાળ મળી. આ તે દિવસથી સોમનું રુદન સુકાતું નથી. એ પોતાને કલંકિત, જીવનભ્રષ્ટ ગણી પ્રાણત્યાગ કરવા તલસે છે. અમે એક તરફથી એના ઉપર અને બીજી બાજુ પેલી વિષધરી નાગણ ઉપર દિવસરાત ચોકી ભરીએ છીએ. નીંદર જેવું કાંઈ રહ્યું નથી.”

“મને એ બાઈ પાસે લઈ જશો ?" અનુપમાં હજી પણ સોમને બદલે વીરમદેવના જ વિચારોમાં ઘૂમતી હતી.

અંધારિયા અને છૂપા એક ભોંયરામાં સગવડોવાળું, રૂપાળું ચોખુંફૂલ ઘર હતું. દ્વાર પર જેમની ચોકી હતી તે ક્ષત્રિયો પણ હજારોમાં એકાદ જેવા જડે તેવા ખાનદાન અને વિભૂતિમાન હતા. આખા આબુરાજની પવિત્રતા તેમના ચહેરા પર આવીને બેઠી હતી. એ બહારની ચોકીની અંદર સ્ત્રીઓની ચોકી હતી. ચોકીના જાપ્તા વચ્ચે એક યુવાન સ્ત્રી બેઠી હતી.

"આ જ એ.” પરમારદેવે કહ્યું. પછી બેઉ બહાર આવ્યાં.

“આને તો મેં જોઈ છે.” ચકિત બનેલી અને ફાળ ખાધેલી અનુપમાએ એ યુવતીને ધારીને નિહાળી. એની પાસે પરમારદેવે મેના-પોપટનાં પીંજરાં મુકાવ્યાં હતાં. પક્ષીઓને એ સ્ત્રી રમાડતી હતી.

"આ તો સંઘમાં હતાં.” અનુપમાને યાદ આવ્યું. “પતિનું મરણ સાંભળી ઘેર જવા સંઘથી જુદાં પડેલાં તે તો નહીં? આ તો કુમાર વીરમદેવે અપહરેલાં તે નહીં?”

ધારાવર્ષદેવે ચિતાભેર કહ્યું: “વીરમદેવે કોઈક સ્ત્રીને સતાવી છે એમ તો આ બાઈના કહેવાથી જ સોમ ભોળવાયો હતો, પણ પછી તો એ સ્ત્રીએ તારા જેઠનું નામ પણ મેળવ્યું, અને સોમના બધા સંસ્કાર પર દુષ્ટ સંદેહનું ઢાંકણ ઢાંકી દીધું.”